________________
જ્યારે ભક્તને પ્રતિમામાં ભગવાનનો સાક્ષાત્કાર થાય, શિષ્યને પોતાના સદ્દગુરુદેવમાં ગૌતમસ્વામીના દર્શન થાય, સાધ્વીજીને પોતાના ગુરુણીમાં સા. ચંદનબાલાજીના દર્શન થાય, શ્રાવકને એક સુસાધુમાં અઢી દ્વીપના તમામ સંયમીના દર્શન થાય. આ બધું સંવેદનની તીવ્રતાને આભારી છે. પરોક્ષ એવા મોક્ષનો પ્રત્યક્ષ અનુભવ કરવા માટે આવી સંવેદનની તીવ્રતા અનિવાર્ય છે. શુદ્ધિનો પ્રેમ, દોષનો અણગમો, સદાચારની રુચિ, સદૂગુણવૈભવપ્રાપ્તિ માટેનો અંતરંગ પુરુષાર્થ, ગુણીબહુમાન... આ બધા પરિબળો ભેગા થાય એટલે મોક્ષનું આકર્ષણ પ્રબળ બને. મોક્ષનું આવું આકર્ષણ, સંયમમાં - મોક્ષપ્રાપકતાની શ્રદ્ધા અને સંયમની સદા સર્વત્ર સાચવણી- આ ત્રણ તત્ત્વનો ત્રિવેણીસંગમ થાય એટલે મોક્ષ પ્રત્યેના સંવેદનમાં તીવ્રતા આવતી જાય. આ તીવ્રતા જ્યારે પરાકાષ્ઠાએ પહોંચે ત્યારે પરોક્ષ એવો મોક્ષ પણ પ્રત્યક્ષ અનુભવાય.
ભોગસુખના ભોગવટા પછી ભોગસામગ્રી વગર પણ સંસારના રસિયા જીવો કાલ્પનિક આનંદને અનુભવે જ છે એમ આપણે “મારો બે-ચાર ભવમાં જ મોક્ષ થવાનો છે” આવો કાલ્પનિક આનંદ આરાધના પૂર્વે ઊભો કરીએ તો આરાધનામાં ભાવ પ્રાણ પૂરાય, યોગ બળવાન બને, દીર્ઘજીવી બને, કલ્યાણકારી બને, સુસંસ્કારજનક બને. તેનાથી પણ દોષખેંચાણ ઘસાય, ગુણનું આકર્ષણ જાગે, આરાધનાનો ઉત્સાહ પ્રગટે, મોક્ષરૂચિ તીવ્ર બને અને ઉપરની ભૂમિકાએ પહોંચી શકાય. ટૂંકમાં ભાવના સક્રિયપણે ઘૂંટાય તો સંવેદના જાગે અને સંવેદનાની પરાકાષ્ઠાએ સ્વાનુભવ થવાથી પરોક્ષ એવા મોક્ષનો સાક્ષાત્કાર થાય. આમાં જ સંયમજીવનની સફળતા છે.
લખી રાખો ડાયરીમાં...) આત્મજાગરણ જેવી કોઈ આરાધના નથી. આત્મવિસ્મરણ જેવી કોઈ વિરાધના નથી.
ઉપર