________________
બાધક-સાધક-શોધક તત્ત્વને તપાસીએ
સંયમજીવનમાં તે જ દિવસો આપણો સંયમપર્યાય વધારી શકે કે જે દિવસોમાં આપણે દર્શન, જ્ઞાન, ચારિત્રના પર્યાયની વૃદ્ધિ કરી હોય. રત્નત્રયના પર્યાયને ન વધારીએ કે ન શુદ્ધ કરીએ તો તે તમામ દિવસો વાંઝીયા કહેવાય.
વર્ષોથી પ્રતિષ્ઠિત નામના મેળવેલી પેઢી મેઈન બજારમાં મોકાના સ્થળે હોય, દુકાનમાં કિંમતી માલ પણ હાજર હોય, તેજીનો સમય હોય, ઘરાકની લાઈન લાંબી હોય તેવા સમયે દુકાનનું શટર પાડીને, અંદરથી બંધ કરીને ઊંઘી જનાર વેપારીના દિવસો વાંઝીયા ગણાય. તેમ સદ્ગુરુ, સંયમ, સહાયક, સહવર્તી, સ્વસ્થ શરીર, સાનુકૂળ સંયોગ, સુંદર વાતાવરણ, સંયમી સમુદાય, સાધનાનો સમય આટલું બધું મળ્યા પછી પણ આપણે પ્રમાદના લીધે દર્શન-જ્ઞાન-ચારિત્રના પર્યાય ન વધારીએ તો આપણા દિવસ પણ વાંઝીયા જ ગણાય. આવું ન બને તે માટે રત્નત્રયના બાધક-સાધક અને શોધક તત્ત્વને પીછાણીને આધ્યાત્મિક સમૃદ્ધિ મેળવવા પ્રયત્નશીલ બનવું જ રહ્યું.
(૧) સંયમીની નિંદા, ગુરુની આશાતના, વિજાતીય આકર્ષણ, ખાવાની લાલસા, ઉપકરણમૂર્છા, સંઘર્ષવૃત્તિ, પ્રસિદ્ધિની ભૂખ આ બધા ચારિત્રના બાધક તત્ત્વ છે.
(૨) ચારિત્રના સાધક તત્ત્વ તરીકે ગુરુ સમપર્ણભાવ, સંયમીની સેવા, શક્તિ છુપાવ્યા વિના તપ-ત્યાગ, અપ્રમત્તતા, વિધિ-યતનાનો ખપ, અષ્ટપ્રવચનમાતાનું પાલન આ બધા ગણી શકાય.
(૩) ચારિત્રના શોધક તત્ત્વ તરીકે આલોચના, જાત પ્રત્યે કઠોરતા, જડ પદાર્થ પ્રત્યે ઉદાસીનતા, સમુદાય વગેરેના ભેદભાવ વગર તમામ સાધુ પ્રત્યે અહોભાવ, આત્મનિરીક્ષણ, મુમુક્ષુપણાના ઉત્તમ અરમાનોને જીવંત રાખવાની કાયમી તૈયારી... વગેરે નોંધવા લાયક છે.
૩૪૮