________________
શિયાળણીના ઘોર ઉપસર્ગમાં ય સમતા રાખવામાં મુખ્ય ચાલકબળ તો આચાર્યશ્રી આર્ય સુહસ્તિગિરિજીનો ‘પરાવર્તના’ સ્વાધ્યાય જ હતો ને ! (૧) બોલીને પુનરાવર્તન કરવામાં ઉત્સાહ ટકે તો શારદામાતાનો જીભ ઉપર નિત્ય વાસ થાય, (૨) વિશુદ્ધ વચનલબ્ધિ પ્રગટે, (૩) તોતડા-બોબડાપણાના અવતાર રદબાતલ થાય, (૪) આદેય-સૌભાગ્ય નામકર્મ બંધાય, (૫) જ્ઞાનાવરણ કર્મનો તીવ્ર ક્ષયોપશમ થાય, (૬) વજ્રસ્વામીની જેમ પદાનુસારી-બીજાનુસારી લબ્ધિ, કોષ્ઠબુદ્ધિલબ્ધિ પ્રગટ થાય, (૭) ગાથાઓ ઉપસ્થિત રહેવાથી અનુપ્રેક્ષા વગેરેમાં બળ મળે છે. આવા તો અપરંપાર ફાયદા જિનવચનના પુનરાવર્તનમાં ઉત્સાહ-ઉમંગ રાખવાથી પ્રાપ્ત થાય છે.
કેવળ આ લોકની આબાદી માટે અને શરીરના સુખ માટે સી.એ., એમ.એસ., એમ.ડી., ડી.એમ. વગેરેની પરીક્ષામાં પાસ થવા મહિનાઓ સુધી રોજ ૧૮-૧૮ કલાકનો અભ્યાસ-વાંચનચિંતન કરનારા દુનિયામાં હાલ વિદ્યમાન છે. તો પરલોકના કલ્યાણ માટે અને આત્માના સુખ માટે ૧૫ કલાકનો સ્વાધ્યાય-પુનરાવર્તન કરવાની ભગવાનની આજ્ઞા પાળવામાં ઉત્સાહ આપણને કેમ ન જાગે ?
(૩) જિનવચનમાં ત્રીજા નંબરનો પ્રમાદ એટલે જિનવચન બોલતી વખતે ઉપયોગનો અભાવ. ગાથા ગોખવી કે પુનરાવર્તન કરવી હજુ સરળ હશે. પરંતુ ગોખતી વખતે, પરાવર્તના કરતી વેળાએ કે પ્રતિક્રમણ વગેરેમાં સૂત્ર બોલવાના અવસરે એકાગ્ર ચિત્તથી તેના અર્થનો ઉપયોગ રાખવો ખૂબ અઘરો છે. કારણ કે તે ધર્મ કેવળ આત્મસાક્ષીએ જ થાય છે. તથા તીવ્ર સંવેગવૈરાગ્ય હોય અને નિકટના ભવમાં મોક્ષ થવાનો હોય તો જ અર્થઉપયોગમાં ઉત્સાહ જાગે, ટકે, વધે, સાનુબંધ બને. સૂત્રના અર્થમાં ઉપયોગ જેટલો વધુ તેટલો વૈરાગ્ય વધુ ઝળહળે, ક્રિયામાં ઉમંગ ઉમટે, સત્ત્વ વધે. ઉપયોગ ભળે પછી ભાવક્રિયાસ્વરૂપ સ્વાધ્યાય
૩૧૦