________________
ચાર સેનાને જીતીએ
આપણે છદ્મસ્થ છીએ એટલે ભૂલ થવાની. ભૂલ કરનારનો મોક્ષ હજુ થાય પણ ભૂલનો બચાવ કરનારનો મોક્ષ ન જ થાય. માટે જે નિમિત્તના લીધે ભૂલ થઈ હોય, જે કારણે સ્વ-પરનો ભાવ-ઉત્સાહ તૂટે તે નિમિત્તે ભવિષ્યમાં ભૂલ ન થાય કે ભાવ ન પડે તેવી સાવધાની રાખીને ભૂલ સ્વીકારવાથી, આલોચના કરવાથી આત્મશુદ્ધિ થાય છે અને આરાધનામાં આગળ વધવાનો ઉત્સાહ વધે છે.
જાગૃતિ કેળવવાથી, ઉપયોગ રાખવાથી ભૂલ થતી અટકે છે. સર્વત્ર, સર્વદા, સર્વ પ્રકારનો ઉપયોગ સંયમી રાખે. કેમ કે સંયમ અને શાસ્ત્રનો સૂક્ષ્મ ઉપયોગ તથા સ્વ-પરના પરિણામનો વિચાર હોય તો જ સાધુપણું ટકે, વધે. કોઈને પણ ખબર ન હોય તેવી પણ ભૂલનો સ્વીકાર ખચકાટ વગર થાય એ સરળતાની નિશાની છે, ધર્મ પામ્યાની નિશાની છે. માટે ભૂલસ્વીકાર અને ભાવીમાં ભૂલ ન થાય તેવી જાગૃતિ આ બન્નેને જીવનમાં ઉતારવા પ્રયત્નશીલ રહેવું.
બીજી એક સાવધાની સંયમજીવનમાં એ રાખવાની છે કે આપણે ચાર સેનાની સામે ઝઝૂમવાનું છે. (૧) ઈન્દ્રિયની સેના, (૨) કષાયની સેના, (૩) પ્રમાદની સેના, (૪) વિકથાની સેના. ઈન્દ્રિયને જીતે તે જ પરિષહને જીતે. ઈન્દ્રિયની સેના સામે હારી જવાના તાલપુટઝેરતુલ્ય ૩ પરિબળ દશવૈકાલિકસૂત્રમાં બતાવેલ છે. (૧) વિભૂષા (૨) વિજાતીય પરિચય (૩) વિગઈથી લચપચતો ખોરાક (દશ.વૈ.આઠમું અધ્યયન). આ ત્રણને જીતે તે જ ઈન્દ્રિયની ફોજને જીતી શકે. માટે સંયમજીવનમાં શરીરને આવશ્યક વસ્તુનો ઉપયોગ પણ માત્ર બાહ્ય સંપર્કના સ્તરે જ હોય, સંબંધ કે સંસર્ગના સ્તરે નહિ તો જ ઈન્દ્રિયસેના જીતાય. ઈન્દ્રિયસેનાને જીતે તે જ વૈયાવચ્ચ કરી શકે.
કષાય અને પ્રમાદની સેના વિનયમાં અવરોધ ઊભો કરે છે.
૧૯૪