________________
બીજી મહત્ત્વની વાત એ છે કે જ્યાં આકર્ષણ હોય ત્યાં ઉપયોગ સહજ - સ્વાભાવિક હોય. અનાદિકાળથી મોહના ઘરના ઉપયોગની સહજતા ખાવા, પીવા, ઊંઘવા વગેરેમાં ઘણી રાખી. પરંતુ આત્માના ઘરના ઉપયોગની સહજતાને સહન કરવામાં, સરળ બનવામાં, સેવા કરવામાં, સદ્ગુણ મેળવવામાં લગભગ કેળવી નથી. સહનશીલતા, સરળતા, સેવા, સદ્ગુણપ્રાપ્તિ વગેરેનું જો આકર્ષણ ઊભું થાય તો ઉપયોગશુદ્ધિ કાયમી બને.
બહારના લાભ-નુકસાનના બદલે અંદરના લાભ નુકસાનને ઓળખવાની, સમજવાની, એ મુજબ વર્તવાની અને વલણ કેળવવાની ટેવ પાડીએ તો જ ઉપરની વાત શક્ય બને. બહારમાં આનંદ અનુભવે તે અંદરમાં આનંદ ન અનુભવે. ખાવામાં આનંદ આવે તેને ખવડાવવામાં, સાધર્મિકભક્તિ કરવામાં તાત્ત્વિક આનંદ ન આવે. પારણામાં આનંદ આવે તેને તપમાં તાત્ત્વિક આનંદ ન આવે. વિકથામાં રુચિ હોય તેને સ્વાધ્યાયમાં લગની કે લાગણી ન હોય. હોય તો પણ તાત્ત્વિક ન હોય, ક્ષાયોપશમિક ન હોય, ઔયિક હોય. માટે અંદરમાં ઠરવાની, સદ્ગુણમાં રમવાની, બહારના નુકસાન વેઠવાની જેની તૈયારી હોય તેનો જ ઉપયોગ ઉજળો હોય.
ક્યારેક આરાધનામાં ઉત્સાહનો અભાવ પણ ઉપયોગને મલિન બનાવે, કંટાળો લાવે. ‘બહુ થયું...' એવી તૃપ્તિ આરાધનામાં આવે એટલે આરાધનામાંથી અહોભાવ ખસે અને તે આરાધના આદતસ્વરૂપ-ટેવરૂપ બની જાય. તેવું ન બને માટે આરાધનામાં ઉત્સાહ - અતૃપ્તિ જાળવીને ઉપયોગને ઉપર જણાવ્યા મુજબ શુદ્ધ કરવો. જેથી આરાધનામાં પ્રાયઃ વિઘ્ન આવે નહિ અને આવે તો પણ તેને ઓળંગવાનું સામર્થ્ય આપોઆપ પ્રગટે. પછી રોગ, ઘડપણ, ઈન્દ્રિયની શિથિલતા, અશક્તિ, વિપરીત સંયોગ, પ્રતિકૂળ પરિસ્થિતિ વગેરે પરિબળો પણ મોક્ષમાર્ગે આગળ વધતા અટકાવવા સમર્થ ન બને. આ રીતે મોક્ષમાર્ગે આગળ વધી વહેલી તકે પરમપદને પ્રાપ્ત કરીએ એ જ મંગલકામના...
१८०