________________
ઉપયોગને ઉજળો કરીએ
એક વાત ધ્યાનમાં રાખવી કે કર્મ બે રીતે બંધાય છે. (૧) યોગથી અને (૨) ઉપયોગથી. અશુભ યોગ અને અશુભ ઉપયોગથી બંધાયેલ કર્મના ઉદયમાં જીવને બાહ્ય નિમિત્તો નબળા-હલકા મળે અને તેના લીધે જીવ પોતાના પરિણામને પણ બગાડે છે. લાચારીના લીધે યોગ અશુભ હોય પણ ઉપયોગ શુભ રાખ્યો હોય તો તેનાથી બંધાયેલ કર્મના ઉદયમાં જીવને બાહ્ય પરિબળો નબળા મળે તો પણ તેના નિમિત્તે જીવ પોતાના પરિણામ બગાડવાના બદલે નિર્મળ કરે છે. યોગને બદલવો કદાચ આપણા હાથમાં ન હોય પણ ઉપયોગને શુભ રાખવો તો આપણા હાથમાં છે. સ્વાધીન એવા ઉપયોગને સુધારવાના બદલે નબળા બાહ્ય યોગો મળવા બદલ પસ્તાવો કરનાર સાધક મોક્ષમાર્ગે આગળ વધી ન શકે. આત્મવંચના, જાત-છેતરામણમાં જ પ્રાયઃ તે ફસાઈ જાય.
બાહ્ય નબળા યોગ અને નબળા સંયોગ મુજબ નબળો-મલિન ઉપયોગ રાખવો તે સંસારયાત્રાનું લક્ષણ છે. બાહ્ય નબળા યોગસંયોગમાં પણ ઉપયોગને બળવાન, નિર્મળ, ઉજળો બનાવવો એ સંયમયાત્રાનું લક્ષણ છે. આપણે સંસારયાત્રા નહિ પણ સંયમયાત્રા કરવા નીકળ્યા છીએ. માટે ઉપયોગને સ્ફટિક જેવો નિર્મળ બનાવવો. ‘આજ્ઞા તુ નિર્માનું ચિત્ત વર્ણવ્યું ટિોપમમ્' આ શાસ્ત્રવચનને સતત નજર સામે રાખવું.
યોગની નબળાઈ કદાચ સત્ત્વની કચાશના લીધે હોઈ શકે. ઉપયોગની નબળાઈ અને મલિનતા તો શ્રદ્ધાની કચાશના લીધે જ હોય. શુભ યોગ ૨૪ કલાક રાખવા કદાચ આપણે પરાવલંબી બનવું પડે અને તે કદાચ શક્ય ન પણ હોય. પરંતુ શુભ ઉપયોગ ૨૪ કલાક રાખવામાં બાહ્ય પરિબળની આવશ્યકતા નથી. જો આપણા ઉપયોગની નિર્મળતા બાહ્ય સારા સંયોગને આધીન હોય તો કદાચ દેવલોક મળે. પણ તે આપણા સારા સ્વભાવને આધીન હોય તો તેનાથી મોક્ષ મળે.
૧૮૯