________________
વર્તમાનમાં આવું પણ ક્યાંક ક્યાંક જોવા મળે છે. તપ-જપ-સ્વાધ્યાય કરવો તે ગુણ છે. પરંતુ વૈયાવચ્ચ - ગ્લાનસેવા ન કરવી પડે તે આશયથી વિશિષ્ટ તપ-જપ-સ્વાધ્યાય કરીએ તો તે દોષ છે, સુખશીલતા છે. આ વાત ભૂલાવી ન જોઈએ. સાધુજીવનમાં બાકીના બીજા વિષયો ખતમ થયા છે, વ્યવહારથી બંધ થયા છે. પણ જો વિષયવૈરાગ્ય ન આવ્યો હોય, વિષયનું આકર્ષણ અંદરમાં ઊભું જ હોય તો તેની ખણજ પૂરી કરવા જીવ ઉપરના ચાર વિષયોમાં રાજી થઈને પ્રવૃત્તિ કરે, સામે ચાલીને પ્રવૃત્તિ કરે. જો આવું થાય તો સંયમજીવનના સાચા આનંદની અનુભૂતિ તેને ન થાય, મહાવ્રતપાલનમાં ખરો ઉત્સાહ તેને ન જાગે, મોક્ષમાર્ગે આગળ વધવાનો ક્ષયોપશમ આવરાતો જાય.
હકીકતમાં તો કોઈ પણ વિષયનું સેવન બ્રહ્મચર્યમાં દૂષણ લગાડે છે. માટે વિશુદ્ધ બ્રહ્મચર્ય પણ ઘસાતું જાય. પછી જીવ ગળીયા બળદ જેવો બની જાય. ભગવાને જે અર્થમાં સંયમજીવન બતાવેલ છે, ૧ વર્ષ પછી અનુત્તરવાસીના સુખને ઓળંગવાની સંયમી માટે જે વાત કરી છે તેને પામવા માટે તે જીવ અસમર્થ બની જાય. વિષયનો અર્થ બની, વ્યર્થ જીવન વ્યતીત થાય. અનંતા ઓઘામાં વધારો થાય. એકાદ વાર દેવલોક મળી જાય. મોક્ષમાર્ગની બહાર જીવ ફેંકાઈ જાય.
ઘણીવાર તો એવું બને કે સંસારીપણે ખાતાં, ઊંઘતાં, પ્રશંસાશ્રવણમાં કે સુખશીલતામાં જે રુચિ હોય તે કરતા સંયમજીવનમાં વિશેષ બળવાન રુચિ જાગે ! આનું કારણ એ છે કે સંસારમાં બીજા બધા વિષયો ખુલ્લા હતા. સંયમજીવનમાં બીજા વિષયો બંધ થયા. એટલે વિષયની પણ પૂરી કરવાનું પરિમિત ક્ષેત્ર જ રહ્યું; ખણજ મોટી એટલે બમણા વેગથી જીવ એ ચાર વિષયમાં કુદકે ને ભૂસકે આગળ વધે.
સંસારીપણે આપણી પ્રશંસા સાંભળવાની ભૂખ ઓછી હતી.