________________
બાલીશ કુયોગ સંગ્રહ સંયમજીવનમાં વ્યવહારથી ઈન્દ્રિયવિષયોનો ત્યાગ થયો એમ કહેવાય. છતાં જે દોષના સેવનમાં “સંયમી' તરીકે આપણી છાપ બગડતી ન હોય તેવી પ્રવૃત્તિમાં રોકટોક વિના, કચવાટ વગર, રસપૂર્વક જીવ પ્રવર્તે એવી શક્યતા ઘણી મોટી છે. એવા ૪ વિષયના ભોગવટા સંયમજીવનમાં મુખ્ય છે. (૧) ભોજન, (૨) ઊંઘ, (૩) સ્વપ્રશંસાશ્રવણ, (૪) સુખશીલતા. આમાંના પ્રથમ બે જીવનનિર્વાહ માટે આવશ્યક હોવાથી તેમાં રસપૂર્વક આપણે પ્રવૃત્તિ કરીએ તો આપણી છાપ બગડવાની નથી. સંયમી તરીકેની છાપ ન બગડે માટે એકાસણું કરીએ, દિવસે આરામ ન કરીએ તે વાત જુદી છે. પરંતુ એકાસણામાં જે વાપરીએ અને રાત્રે પરિમિત નિદ્રા કરીએ તેમાં જેટલી રુચિનો, ઠંડકનો અનુભવ કરીએ, તેનો પક્ષપાત રાખીએ તેટલા અંશે તો વિષયસેવન થયું જ ગણાય.
બીજા આપણી પ્રશંસા કરે તેને આપણે અટકાવી શકતા નથી કે કોઈને આપણી પ્રશંસા માટે પ્રેરણા પણ કરતા નથી. છતાં બીજા સ્વયં આપણી પ્રશંસા કરે તેને સાંભળવામાં ગલગલિયા થાય, આનંદ થાય, તે વ્યક્તિ પ્રત્યે લાગણી ઊભી થાય એ પણ કર્મેન્દ્રિયવિષયસેવન જ થયું.
માંડલીનું એકાદ કામ કર્યા પછી આખો દિવસ બેઠાડું જીવન, ઉઠ-બેસની આળસ, વૈયાવચ્ચમાં ઉત્સાહનો અભાવ, બેઠા-બેઠા પ્રતિક્રમણાદિ આવશ્યક યોગોને કરવા, વિશિષ્ટ કષ્ટસાધ્ય આરાધનામાં ઉત્સાહ ન આવવો, વિહાર વગેરેનો અણગમો... આ સુખશીલતાના અલગ અલગ સ્વરૂપો છે.
ઘણી વાર વૈયાવચ્ચ ન કરવી પડે તે માટે વિશિષ્ટ તપ-જપ સ્વાધ્યાયમાં જોડાઈએ તો તે પણ સુખશીલતાનો જ એક પ્રકાર છે.
૧૧૮૨