________________
દેખીને તે વ્યક્તિની નિંદામાં મન ઊંડે ઉતરી પડે છે, તેના પ્રત્યે અણગમો-અરુચિ પેદા કરે છે. કેવું છે વિચિત્ર આ મન ! બીજાનું નબળું જોવામાં જ રસ, તે વ્યક્તિની ઘૃણા કરવામાં રસ અને પાછું તે દોષને પોતાના જીવનમાં ઉતારવામાં રસ ! કોઈ તાલમેળ ન મળે તેવી આ વિચિત્રતા છે.
(૪) મનની ચોથી નબળી કડી એ છે કે પાણી જેમ ઢાળ મળે કે તરત નીચે ઉતરે તેમ પ્રતિકૂળ નિમિત્ત મળે કે મનનો ઉત્સાહ તરત જ નીચે ઉતરી જાય. ઉલ્લાસના શિખરેથી તળેટીએ અને ત્યાંથી પળવારમાં ખીણમાં ઉતરી જાય ! માટે કોઈ પણ આરાધનાની શરૂઆત કરતાં ‘સેંકડો કષ્ટો આવે તો પણ આરાધના છોડવી નથી, ઘટાડવી નથી' આવો સંકલ્પ દૃઢતાથી કરવો.
(૫) મનની પાંચમી નબળી કડી એ છે કે જેમ પાણી પોતાનો રસ્તો શોધી કાઢે છે તેમ બગડેલું મન પોતાનું ધારેલું કામ કરવાનો માર્ગ જાતે જ શોધી કાઢે છે અને એ માટે જીવને બળ-પ્રોત્સાહન, લાભ જોવાની દૃષ્ટિ વગેરે પણ મન પોતે જ આપે છે. આનાથી બચવા વિવેકદૃષ્ટિ, સમર્પણભાવ, કલ્યાણમિત્રસંગતિ, આલોચના પ્રાયશ્ચિત્ત કરવાની ટેક, સત્ત્વ વિકસાવવાનું વલણ વગેરે ઉપર લક્ષ આપવું.
(૬) છઠ્ઠા નંબરની મનની નબળી કડી એ છે કે મનના પરિણામ ચંદ્રકળા જેવા છે. ચંદ્રની કળા બીજે દિવસે વધે નહિ તો અવશ્ય ઘટે. તેમ મનના શુભ પરિણામને વધારવા પ્રયત્ન ન કરીએ તો અવશ્ય કાળક્રમે એ શુભ પરિણામ ઘટે છે. ચંદ્રકળાની વધ-ઘટ તો પ્રયત્ન વિના થાય છે. જ્યારે મનના શુભ પરિણામને વધારવા પ્રયત્ન પુરુષાર્થ કરવો પડે છે. તેનો ઘટાડો કરવા પ્રયત્ન કરવો નથી પડતો. છઢેથી સાતમે જવા પ્રબળ પુરુષાર્થ કરવો પડે છે. સાતમેથી છઢે આવવા માટે નહિ. માટે આગળ વધવા પ્રતિપળ જાગૃતિ કેળવવી. ‘સમયં ગોયમ ! મા પમાયએ' ઉપદેશનો આ જ રહસ્યાર્થ છે.
-
१७८