________________
કાંક નિવારીએ
સિદ્ધ પરમાત્માનું જ સ્વરૂપ છે તે જ આપણું સ્વરૂપ છે. સિદ્ધ પરમાત્મામાં જે નથી અને આપણામાં છે તે તમામ ચીજ આપણું કલંક છે. બાહ્ય-અત્યંતર બે પ્રકારના કલંક આપણને વળગેલા છે. અમુક કલંક એવા છે કે જે આપણને વળગેલા છે. અમુક કલંક એવા છે કે આપણે તેને વળગેલા છીએ. જન્મ, શરીર, ઈન્દ્રિય, ઊંઘ, ખોરાક, રોગ, ઘડપણ, મોત વગેરે બાહ્ય કલંક છે. મોટા ભાગે તે આપણને વળગેલા છે. વિષય, કષાય, વાસના, લાલસા, તૃષ્ણા વગેરે દોષો અત્યંતર કલંક છે. અત્યંતર કલંકને પ્રાયઃ આપણે વળગીએ તો જ તે આપણામાં ઘુસી શકે. ખાવાની ગુલામી આપણી પાસે કર્મસત્તા કરાવે પરંતુ તેમાં રાગ-દ્વેષ-મોહ કરવા કે નહિ ? તે બાબતમાં કર્મસત્તાનો કશો જ અધિકાર નથી. કર્મસત્તા ઊંઘનું કલંક આપે પરંતુ તેમાં આસક્તિ, મમતા આપણે કરવી કે નહિ? તેનો નિર્ણય કર્મસત્તાના હાથમાં નહિ પણ આપણા જ હાથમાં છે.
બાહ્ય કલંક આપવાની તાકાત ભલે કર્મમાં હોય. એક પણ અત્યંતર કલંક કર્મસત્તા આપી ન શકે. તેને તો અસાવધ સાધક જાતે ઊભા કરે છે. બાહ્ય કલંક તો અઘાતિકર્મના ઉદયથી આવે. જ્યારે અત્યંતર કલંક તો ઘાતિકર્મના ઉદયથી આવે. અઘાતિના ઉદયને અટકાવવા કે ફેરવવા કદાચ આપણે પરાધીન કે અસમર્થ હોઈ શકીએ. ઘાતી કર્મના ઉદય ઉપર તો આપણું જ વર્ચસ્વ છે. ભૂખ, તરસ, ઊંઘને અટકાવવા માટે કે કાળી ચામડીને ગોરી-રૂપેરી ચામડીમાં ફેરવવા માટે આપણે ભલે સમર્થ ન હોઈએ, પરંતુ તેમાં રાગ-દ્વેષના ઉછાળાને હટાવવા એ તો આપણા હાથમાં છે. બન્ને પ્રકારના કલંકને જીતી શકાય તેવા ઉપાયોને અમલમાં મૂકવા.
બાહ્ય કલંકને જીતવા પરિષહ – ઉપસર્ગને સામે ચાલીને શક્તિ મુજબ સહન કરવા, તપ-ત્યાગ-સાધના-સ્વાધ્યાયમાં આગળ વધવું.
- ૧૬૨