________________
આચારનું લોકોત્તર ફળ ઓળખીએ
તારક તીર્થંકર પરમાત્માઓએ આચારના ત્રણ ફળ બતાવ્યા છે. અનાશ્રવ, સંવર અને સકામ નિર્જરા. ગલત પ્રવૃત્તિ છૂટે તે અનાશ્રવ, ગલત વૃત્તિ છૂટે તે સંવર, નિર્મળ મનોવૃત્તિની અનુભૂતિ કરાવે તે સકામ નિર્જરા. ત્રણેય ઉત્તરોત્તર ચઢિયાતા ફળ છે.
સંયમજીવનના પ્રત્યેક આચારમાં આ વાત લાગુ પડે છે. દા.ત. (૧) સ્વાધ્યાયની પ્રવૃત્તિથી નિંદા-વિકથાની પ્રવૃત્તિ છૂટે તે અનાશ્રવ.
નિંદા વિકથા-પારકી પંચાતનો રસ તૂટે તે સંવર. ચિત્તપ્રસન્નતાની અનુભૂતિ થાય તે નિર્જરાની નિશાની. (૨) આંબેલ આદિ તપ કરવાથી ગમે ત્યાં, ગમે ત્યારે, ગમે તે રીતે, ગમે તે ચીજ ખાવાની પ્રવૃત્તિ છૂટે તે અનાશ્રવ. આહારસંજ્ઞા કપાય તે સંવર અને અનાસક્ત અવસ્થાની અનુભૂતિ થાય તે નિર્જરાની સાબિતી.
(૩) વિનય કરવાથી અનુચિત, ઉદ્ધત, અક્કડ, સ્વચ્છંદ પ્રવૃત્તિ રવાના થાય તે અનાશ્રવ. ઉદ્ધતાઈ, અક્કડતા વગેરે દોષો જાય તે સંવર. નમ્રતા, સરળતા, કૃતજ્ઞતા વગેરેની અનુભૂતિ થાય તે નિર્જરાનું ચિહ્ન.
(૪) વૈયાવચ્ચ દ્વારા બીજા પ્રત્યે તિરસ્કારભર્યો વ્યવહાર અને સ્વાર્થપ્રવૃત્તિ છૂટે તે અનાશ્રવ. સ્વાર્થી વલણ, કઠોરતા છૂટે તે સંવર અને કરૂણાસભર કોમળ પરિણતિની અનુભૂતિ થાય તે નિર્જરાની ફલશ્રુતિ.
(૫) પ્રાયશ્ચિત્ત દ્વારા પાપનો બચાવ, દલીલ, અપલાપ વગેરે પ્રવૃત્તિ દૂર થાય તે અનાશ્રવ. પાપનો પક્ષપાત, દોષરુચિ, માયા, અભિમાન, વક્રતા, અશુભ અનુબંધની તીવ્રતા વગેરે તૂટે તે સંવર. તથા સરળતા, નમ્રતા, પાપભીરુતા વગેરે સદ્ગુણો આવે તે નિર્જરાની સાક્ષી. આ રીતે સર્વ આરાધનામાં સમજી લેવું.
૧૬૦