________________
(૧૩) મુમુક્ષુપણામાં (a) ગુરુનિંદા, (b) સાધુનિંદા, (c) નિષ્કારણ પ્રમાદ, (d) ખાવાની તીવ્ર લાલસા, (e) ઉપકરણની ગાઢ મૂર્છા, (f) ઉજળા કે મોંઘાદાટ કપડા પહેરવાની આસક્તિ, (g) વિકથા, (h) અનુકૂળતાનો પ્રબળ પ્રેમ, (i) વધુ પડતી નિદ્રા, (j) નિરંતર સુખશીલતા, (k) આળસ, (I) ઔચિત્યપાલનમાં બેદરકારી, (m) નામનાની કામના, (n) ગુરુથી છૂપી પ્રવૃત્તિ, (o) ઉત્કટ અભિમાન, (p) વાત-વાતમાં ઓછું લાગવું, (q) અયતના, (r) ક્ષુદ્રતા, (s) ગુણવાનની-સંયમીની ઈર્ષ્યા, (t) ખોટું દોષારોપણ, (u) સતત સેવા લેવાની વૃત્તિ, (v) અધિકારવૃત્તિ, (w) ખોટું બોલવાની કુટેવ, (x) ગુરુ પ્રત્યે પણ શંકાશીલ માનસ, (y) અત્યંત અસહિષ્ણુતા, (z) દૃષ્ટિદોષ વગેરે જે દોષો આપણામાં જણાતા ન હતા તે તમામ દોષો સપરિવાર આપણા જીવનમાં તંબૂ તાણીને બેસી જાય તો આપણે પણ ઠપકાને પાત્ર બનીએ.
ઉપરની ૧૩ બાબત જો મજબૂત રીતે આપણા જીવનમાં લાગુ પડે તો પાપાનુબંધી પુણ્યોદય જાણવો. આ રીતે ચારિત્ર પાળીને પણ ચારિત્રમોહનીય કર્મ મજબૂત રીતે બંધાય. દેવાળુ કાઢનાર વેપારી જેવી બેઆબરુ બેઢંગી - કઢંગી – કફોડી સ્થિતિમાં આપણે દીક્ષા પછી, આપણી જ ભૂલના લીધે મૂકાઈએ તો જ્ઞાનીની દૃષ્ટિએ આપણા કરતાં વધુ કરુણાપાત્ર-દયાપાત્ર કોણ હોઈ શકે ? ગંભીરતાથી આ બાબત વિચારતાં કંપારી છૂટી જાય તેવું ગોઝારું પરિણામ ઉપરની ૧૩ ચીજ લાવીને મૂકી દે. તેથી દીક્ષા પાળતાં પાળતાં ઉપરની કોઈ નબળી કડી આપણા જીવનમાં ઘૂસી ન જાય તેવી સાવધાની રાખીને મોક્ષમાર્ગે આપણે આગળ વધવાનું છે. આવી જાગૃતિ દેવ-ગુરુની કૃપાથી આપણે આત્મસાત્ કરીએ તેવી પ્રભુને પ્રાર્થના.
-
૧૫૯