________________
જ તો પૂર્વે ૧૦ મા ગુણસ્થાનકે રાગ-દ્વેષ-મોહ ખતમ થયા પછી જ ૧૩ મા ગુણસ્થાનકે કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે. તેથી જ્ઞાન મેળવવાની પાત્રતા કેળવવા માટે રાગ-દ્વેષ ઘટાડવાનો પ્રયત્ન મુખ્યતયા કરવો.
કોઈના જીવનમાં દોષ જાણવાથી તે વ્યક્તિ પ્રત્યે દ્વેષ થાય કે ઉત્તમ ગોચરી, ઉપકરણ વગેરેના સમાચારથી રાગ થાય તો તેવું જાણવાનો પ્રયત્ન છોડી દેવો. જે જાણવાથી સંયમી પ્રત્યેના બહુમાનમાં ઘટાડો થવા દ્વારા સમ્યગ્દર્શન મલિન થાય અને ચારિત્ર નબળું પડે તેવું જાણવાની કુતૂહલવૃત્તિને કાયમી દેશવટો આપવો. તેવી જાણકારી તો નિંદા, વિકથા, પારકી પંચાત કે અનર્થદંડ કહેવાય.
શાસ્ત્રના અપવાદ સાંભળતા પણ જેને આનંદ થાય, ગલગલીયા થાય તેને અપવાદ જાણવાનો અધિકાર નથી. આનાથી ફલિત થાય છે કે જાણ્યા બાદ કે ભણ્યા બાદ સમકિત અને ચારિત્ર નિર્મળ બને, રાગ-દ્વેષ ઘટે, સરળતા સમર્પિતતા આવે તો જ જ્ઞાન યોગ પરમાર્થથી સફળ બને. બાકી શાસ્ત્ર પણ તીક્ષ્ણ શસ્ત્ર બની જાય; જ્ઞાન પણ અજ્ઞાન બની જાય, કથા પણ વિકથા બની જાય; તારક તત્ત્વ પણ મારક બની જાય. આવું ન બને તેની સાવધાની રાખી જ્ઞાન ગુણને પચાવવા વૈરાગ્યને કેળવી, જ્ઞાનગર્ભિત વૈરાગ્યને મેળવી, બીજામાં વૈરાગ્ય અને સમ્યજ્ઞાનનો વિનિયોગ કરી વહેલા કેવલજ્ઞાનને પામો એ જ મંગલ કામના.......
લખી રાખો ડાયરીમાં...
આરાધના માટે ઉપકરણ રાખવા, ઉપકરણની માવજત કરવી અને અવસરે તેનો ઉપયોગ કરવો તે જરૂરી છે. પરંતુ ઉપકરણની મૂર્છા રાખવી કદાપી આરાધના માટે જરૂરી નથી.
૧૫૭