________________
તરફથી કડવા શબ્દ સાંભળવા મળે કે મન ખળભળે; સંઘરી રાખેલી વિજાતીયની આકૃતિ તરત મન ઉપર છવાઈ જાય અને વાસનાવમળમાં મન એટલું બધું ઊંડું ખેંચી જાય કે સંયમીના લેબાશમાં આવી હલકી વિચારધારાને વળગવાથી અનંતી દુર્ગતિઓને પોતાના હાથે લખાતી આમંત્રણ પત્રિકા પણ રાંક જીવ તે સમયે વાંચી શકતો નથી, જોઈ શકતો નથી, વિચારી શકતો નથી. વમેલા સંસારને ફરીથી ચાટવાથી ચાખવાથી તે સંયમી ત્યારે શ્રાવક, સમકિતી, સજ્જન, માનવ અને સામાન્ય પશુની ભૂમિકાથી પણ નીચે ઉતરી કૂતરાની ભૂમિકાએ પહોંચી જાય છે. આ હકીકતને પણ તે જીવ તદન ભૂલી જાય છે.
બાહ્ય રીતે ઈન્દ્રિયો ઉપર સંયમ રાખી લોભામણા વિષયોને, વિજાતીયની આકૃતિને મનથી યાદ કરે તે મિથ્યાચારી છે. એવું ભગવદ્ગીતામાં (૩/૬) બતાવેલ છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં (૧૭મું અધ્યયન) તેવા જીવને પાપશ્રમણ બતાવેલ છે. પરંતુ આ શાસ્ત્રવચનને સાંભળવા તે જીવના કાન બહેરા બની જાય છે. માટે કમ સે કમ વિજાતીય તત્ત્વની બાબતમાં તો મનને કાયમ દીવાલ જેવું જ બનાવવું. તે મધ્યમકક્ષા છે. જગતના કોઈ પણ દ્રવ્ય, ગુણ કે પર્યાય માટે મન દીવાલ જેવું જ બને તે ઉત્તમ કક્ષા. જગત અને વિજાતીય તત્ત્વની બાબતમાં મનને કેમેરા જેવું બનાવે તે અધમ કક્ષા છે.
આનાથી ઊલટું પરમાત્મા, ગુરુદેવ, શાસ્ત્રવચન, સંયમી, ગુણીયલ વ્યક્તિ, આરાધના, ઉપાસના, જયણા, અપ્રમત્તતા વગેરે બાબતમાં જેનું મન કેમેરા જેવું હોય તે ઉત્તમ કક્ષા. દર્પણ જેવું હોય તે મધ્યમ કક્ષા. દીવાલ જેવું હોય તે અધમ કક્ષા.
આ બધી બાબતો ઉપર લક્ષ રાખી નિર્મળ આત્મપરિણતિ કેળવી વહેલા પરમપદ પામો એ જ મંગલકામના..
૧૪૩.