________________
ગુરુનો આક્રોશ પ્રસન્નતાથી સહન કરવાથી (૧) નમ્રતા કેળવાય. (૨) ગુરુવિનય થાય. (૩) ગુરુકૃપા પ્રાપ્ત થાય. (૪) ગુરુના દિલમાં સ્થાન મળે. (૫) સાચું શિષ્યત્વ પ્રગટ થાય. (૬) ગુરુ બનવાની લાયકાત આવે. (૭) અનાદય-અપયશ કર્મનો નાશ થાય. (૮) ચંડરુદ્રાચાર્યના શિષ્યની જેમ કેવળજ્ઞાનની નજીક પહોંચાય. (૯) ભવાંતરમાં સદ્ગુરુની પ્રાપ્તિના અંતરાય તૂટે. (૧૦) દેવતા સહાય કરે. (૧૧) લોકપ્રિયતા મળે. (૧૨) શાસનપ્રભાવના થાય. (૧૩) જ્ઞાનવરણીય અને મોહનીયનો ક્ષયોપશમ થાય. (૧૪) લબ્ધિઓ પ્રગટ થાય. (૧૫) પરમગુરુ પરમાત્માની નજીકના ભવમાં પ્રાપ્તિ થાય. (૧૬) નિર્મળ બ્રહ્મચર્ય પાળવાની શક્તિ, રુચિ પ્રગટે. (૧૭) સંયમભ્રષ્ટ કદિય ન થવાય. આ બધા સાનુબંધ વિશિષ્ટ લાભોને નજરની સામે રાખીને ગુરુના આક્રોશને પ્રસન્નતાથી સહન કરવાની સંકલ્પપૂર્વક ટેવ પાડવી. ત્યાર પછી વડીલ, વિદ્યાગુરુ, સહવર્તી, નાના સાધુ વગેરેના કડવા વચન પ્રસન્નતાથી સહન કરવાનો ઉત્સાહ કેળવવો. આ રીતે ઝડપથી મોક્ષમાર્ગે આગળ વધો એ જ મંગલકામના.
(લખી રાખો ડાયરીમાં...) પોતાની ભૂલ ભૂલ તરીકે ન લાગવી, ન સ્વીકારવી અને બચાવ કરવો એ જ સૌથી મોટી ભૂલ. ગુરુની રજા વિના શાસ્ત્રો ભણવાથી પણ જ્ઞાનાવરણ કર્મ બંધાય. મર્યાદાનો લોપ એટલે શાસનનો વિચ્છેદ.
૧૧૫