________________
સાધનાના છ પરિબળો
સાચો સંયમી ૬ સ્થાનમાં અહોભાવ-બહુમાનભાવ કેળવે છે. (૧) આરાધ્ય (૨) આરાધના (૩) આરાધનાના ઉપકરણ (૪) ઉપાસ્ય (૫) ઉપાસના (૬) ઉપાસક.
(૧) આપણા આરાધ્ય છે દેવાધિદેવ અરિહંત પરમાત્મા. તેમના પ્રત્યે બહુમાન હોય તો જ આરાધના પ્રાણવંતી બને. અરિહંત પ્રત્યે અહોભાવ એટલે તેમના વચન ઉપર અહોભાવ. દરેક આરાધના કરતાં પૂર્વે ‘મારા ભગવાને આમ કરવાનું કહ્યું છે' આ પ્રમાણે અરિહંત અને અરિહંતવચન પ્રત્યે અંતરમાં અહોભાવ લાવીએ તો સમાપત્તિની પ્રાપ્તિ થાય છે. સમાપત્તિ એટલે અરિહંતતુલ્યતાની પ્રાપ્તિ. જિનવચન પરત્વેના બહુમાન દ્વારા જિનેશ્વર હૃદયમાં પ્રતિષ્ઠિત થાય અને ‘તે અરિહંત તુલ્ય હું છું, ‘હું સ્વયં અરિહંત છું' આ રીતે ધ્યાન દ્વારા અરિહંતની સ્પર્શના થાય તે સમાપત્તિ-એવું બત્રીશ-બત્રીશી પ્રકરણમાં ઉપાધ્યાયજી મહારાજે જણાવેલ છે.
(૨) આરાધ્યની જેમ આરાધના પ્રત્યે પણ અહોભાવ જોઈએ. આરાધના પ્રત્યે અહોભાવ એટલે આરાધનાની (૧) વિધિ (૨) યતના (૩) અપ્રમત્તતા (૪) શક્તિઅનિગૂહન (૫) સૂત્રાર્થમાં ઉપયોગ (૬) મુદ્રા (૭) અનુમોદના આ સાત બાબતને સાચવવી; તેમાં ઉત્સાહ કેળવવો. આવું બને તો આરાધનાના અંતરાય તૂટે, આરાધનાની સામગ્રી મળે, આરાધના સાનુબંધ થાય, અનેકને આરાધના કરાવવાનું પુણ્ય બંધાય, આપણી આરાધનાના નિમિત્તે બીજા પણ આરાધનામાં ઉત્સાહથી જોડાય. સૌભાગ્ય અને આદેય નામકર્મ ઉદયમાં આવે.
૧૦૯