________________
(૭) દોષવાળી વ્યક્તિ પ્રત્યે ધૃણા, તિરસ્કારભાવને ન રાખવાથી
શુભ ભાવની મૂડી સલામત રહે છે.
આ સાત વાતોનો ખ્યાલ રાખી તે મુજબ વર્તવાનો પ્રયત્ન કરશો તો શુભ ભાવ જલ્દી આવશે, આવેલા શુભ ભાવ ટકશે, વધશે, સાનુબંધ થશે.
જેમ ઘંટ એક વાર જોરથી વાગે પણ તેનો રણકાર લાંબા સમય સુધી ચાલે તેમ એક વાર હૃદયના સાચા ભાવથી ધર્મ આરાધના કર્યા પછી તેની સ્મૃતિ, તેની અનુમોદના લાંબો સમય ચાલવી જોઈએ. તેનો રણકાર પણ સાત્ત્વિક અને તાત્ત્વિક છે. ત્યાર બાદ જીવનમાં પ્રભુ પ્રત્યેની પ્રીતિ, ભક્તિ અને શ્રદ્ધા પ્રધાન બને છે.
પ્રભુ પ્રત્યેના પ્રેમને સમર્પણ થવામાં રસ છે. સંસાર પ્રત્યેના રાગને સંઘર્ષમાં જ કેવળ રસ છે. તર્ક ઉપરનો વધુ પડતો વિશ્વાસ સંસારને ખેંચી લાવે છે. તથ્ય ઉપરનો વધુ પડતો વિશ્વાસ પરમાત્માને ખેંચી લાવે છે.
જગતપતિના દર્શન થયા પછી જગતના દર્શનની વાસના ખતમ થઈ જાય છે.
ખરેખર ! ભગવાનમાં ખોવાઈ જવા જેવું છે. મરજીવો ડુબકી મારે તો દરિયામાંથી મોતી મેળવે અને કિનારે બેસી છબછબીયા કરે તો કેવળ પથ્થર મળે. તેમ આરાધનાના સાગરમાં ડુબકી લગાવીએ તો આત્માનો ગુણવૈભવ મળે. બાકી ઉપરછેલ્લી, મોળી, શક્કી આરાધના કરીએ તો તકલાદી સુખ મળે કે જે નાશ પામવા સર્જાયેલ હોય. કરોળીયાનું જાળું જ્યાં સુધી પુણ્ય ન પરવારે ત્યાં સુધી જ સલામત. તેમ સંયમજીવનમાં પણ શરીર વગેરેનું સુખ પણ જ્યાં સુધી પુણ્યોદય છે ત્યાં સુધી જ સલામત રહે છે. તેથી અત્યારે પુણ્યોદય છે તો આત્મસાધના કરી લેવા જેવી છે. આમ કરીને વહેલા પરમપદને પામો તે મંગળકામના.
- ૯૯ -