________________
કહાન રત્ન સરિતા
૨૨૧ સમજીને કોઈપણ પ્રકારે એટલે પૂરા ઉદ્યમથી, કોઈપણ પ્રકારે એટલે જે યથાર્થ) પ્રકારે છે એ જ પ્રકારે પૂરા ઉદ્યમથી - પૂરા પ્રયત્નથી આયુષ્ય પૂર્ણ થાય એ પહેલાં એણે મિથ્યાત્વનો અભાવ કરવો જોઈએ, એ પરિણામને છેદવા જોઈએ અને આત્મા જે મૂળસ્વરૂપે છે એનો શ્રદ્ધામાં એણે સ્વીકાર કરવો જોઈએ. અસ્તિ-નાસ્તિથી એક જ વાત છે.
પોતાના મૂળ શુદ્ધ સિદ્ધપદને સ્વીકારવું, એ “છે' એમ એની હયાતીને શ્રદ્ધામાં ગ્રહણ કરવી અને એ ગ્રહણ થતાં એ સિવાયના સર્વ તત્ત્વોમાં - અન્ય તત્ત્વમાં મમત્વનો અભાવ થવો એ પ્રકારમાં એણે પૂરા પ્રયત્નથી આવવું જોઈએ. પૂરા ઉદ્યમથી રાતદિવસ પાછળ પડી જઈને એ સ્થિતિએ એણે પહોંચવું જોઈએ. નહિતર ભવભ્રમણ છે એમાં ફરી ફરીને એ પ્રયત્ન કરવાની સુધ રહે, બુધ રહે એ પરિસ્થિતિ જીવની રહેતી નથી. મોટાભાગે તો એ પરિસ્થિતિ છે કે એનો વિચાર સુદ્ધાં કરવા તૈયાર નથી ! મનુષ્ય થયા પછી પણ બહુભાગ જીવોને તો પુણ્ય-પાપના છેદ કરવાની ને વીતરાગી ધર્મ અને નિર્દોષતા પ્રાપ્ત કરવાની વાત રુચતી નથી, સાંભળવી રુચે નહિ. અમે કરીએ છીએ એ અમને કરવા દો ! અત્યારે અમારે આ જ કરવું છે. આ સર્વસ્વ થઈ પડ્યું છે. વર્તમાનમાં જે એના ઉદયીકભાવો છે એ એવા સર્વસ્વપણે એ જીવ કરે છે કે એને બીજું કરવું રુચતું નથી. એ પરિસ્થિતિ થાય છે.
કહે છે કે, મિથ્યાત્વનું પાપ સાત વ્યસનથી પણ અનંતગણું છે..” સાતમાંથી એક વ્યસન હોય તોપણ નિંદવામાં આવે છે. સાતમાંથી માણસને એક જુગારનું વ્યસન હોય છે. વ્યસન એટલે લત, એટલે એ વૃત્તિ છે, એ ફરી ફરીને પ્રકૃતિ એવી વળ ખાઈને આવે કે એને જુગાર રમ્યા વિના ચેન પડે નહિ. પછી લોકો નિંદે છે કે આ જુગારી માણસ છે. જુગારી માણસ છે એટલે પાપી જીવ છે. એમ કરીને એ નિંદવામાં આવે છે. કહે છે કે ભાઈ ! આ મિથ્યાત્વનું પાપ તો એ સાત વ્યસનથી પણ અનંતગણું છે, ઠીક ! એની જેટલી વાસ્તવિકતાએ જે સ્થિતિ સમજવી જોઈએ એ ન સમજાય ત્યાં સુધી એનાથી હટવાનો, એને મટાડવાનો ઉદ્યમ પણ ન જાગે. જે પ્રયત્ન વિશેષ થવો જોઈએ, ખાસ પ્રયત્ન થવો જોઈએ તે પ્રયત્ન (થાય નહિ). એને એની ભયંકરતા ભાસે નહિ અને સામે વીતરાગી ધર્મની કિંમત ભાસે નહિ. (અર્થાતુ) આનાથી દુઃખ કેટલું ને આનાથી સુખ કેટલું ? આ