________________
૨૨૦
[પરમાગમસાર-૨૫૦] શું કિંમત થાય ! એને અનંતા પાપથી બચાવે (એટલું) નહિ, અનંતા પાપના ફળના દુઃખથી પણ બચાવે ! અહીંયા કો'ક એક જિંદગીનું સાજું કરી દે ત્યાં એનો ગુલામ થઈને ફરે ! અરે ભાઈસા'બ તમે ન મળ્યાં હોત તો અમે તો ભીખ ભેગાં થઈ ગયાં હોત ! અત્યારે આ જે કાંઈ સાહેબી છે એ બધું તમારી મહેરબાનીનું કારણ છે ! એમ કહે. તમે કહો તે કરવા તેયાર છીએ. પણ આવા સન્માર્ગે ચડાવનાર અને ઉન્માર્ગથી બચાવનાર સપુરુષો વટેમાર્ગુની જેમ માર્ગનો નિર્દેશ કરીને ચાલ્યાં ગયા છે. પોતે માર્ગે પડ્યાં છે અને માર્ગની સામે આંગળી ચીંધતાં ગયા છે કે જુઓ ! આ માર્ગ છે, આ બાજુ માર્ગ છે, આમ ચાલજે... આમ ચાલજે... આમ ચાલજે...!
(અહીંયા) કહે છે કે, ભાઈ ! મોક્ષમાર્ગમાં પુણ્ય-પુણ્ય એમ કરીને પુણ્યની મહત્તા કરવા જેવી નથી અને પુણ્યના પરિણામ થાય તો એની મીઠાશ પણ વેદવા જેવી નથી. એ મીઠાશ તો મમત્વને કારણે આવે છે. જ્યાં મમતા છે ત્યાં એને મીઠાશ લાગે છે. એ તો આત્માનું ખૂન કરે છે. એટલે આત્માના જે ભાવ પ્રાણ છે . નિર્મળ જ્ઞાન ને આનંદ છે . પવિત્રતા આદિ ધર્મ છે, એને એ છેદે છે. - મિથ્યાત્વભાવ તે કષાયખાનું છે....... જુઓ ! અહીંયા કોઈ કતલખાનું માંડે તો અરેરાટી કરે કે અરેરે...! રોજના કેટલાં પ્રાણીઓનાં પ્રાણ હરે છે ! અહીંયા સમયે-સમયે, ક્ષણે-ક્ષણે એ મિથ્યાત્વથી પોતાના પ્રાણને હણે છે, એના સામું જોતો નથી !! પુણ્યની મીઠાશ કરીને મીઠાશ વેદીને પોતાના જ્ઞાન ને આનંદના પ્રાણને હણે છે એની સામું જોતો નથી! મિથ્યાત્વભાવ તે કષાયખાનું છે, મિથ્યાત્વનું પાપ સાત વ્યસનથી પણ અનંતગણું છે..' મોટું છે એટલે કેટલું છે ? અનંતગણું છે ! બોલો ! બીજાં પાપ દેખાય છે, બહારમાં બીજાં પાપ દેખાય છે, સાત વ્યસન લીધાં છે ને ! શિકાર છે, દારૂ છે, માંસ છે, અનેક પ્રકારનાં તીવ્ર પાપનાં પરિણામ છે એ જીવોને પાપ તરીકે દેખાય છે, પણ મિથ્યાત્વનું પાપ એથી અનંતગણું છે એ દેખાતું નથી.
મૂળ વિષય જ આ છે. જૈનદર્શનમાં પાયાની જે વાત કરી છે, એ આ વાત કરી છે કે જીવને મિથ્યાત્વ છે એ ભયંકર પરિણામ છે કે જે અનંત અનંતકાળ જીવને જન્મમરણનાં પરિભ્રમણમાં રખડાવે છે. એની ભયંકરતા