________________
૧૦૨
[પરમાગમસાર-૨૧૪] પહેલાં કર્યાં છે. જેમકે આપણો પોતાનો દાખલો લઈએ તો વૈષ્ણવમાં જન્મ થયો, તો એ પ્રકારે જે ધર્મ ચાલી રહ્યો છે એ ઠીક છે, બરાબર છે, યોગ્ય છે, કરવા જેવો છે એવાં પરિણામ કર્યા વિના એ કર્મ બંધાય અને એનું ફળ આવે, એવું ન બન્યું હોય. વર્તમાન સ્થિતિ પૂર્વની ભૂલને પ્રસિદ્ધ કરે છે, જાહેર કહે છે. જે વર્તમાન ફળ છે, જે કાંઈ બને છે એ પૂર્વે ક્યા પ્રકારે ભૂલ કરી હતી, ક્યા પ્રકારનો દોષ કર્યો હતો, એને એ સાબિત કરે છે, અને એ જાહેર - પ્રદર્શિત કરે છે કે આવી ભૂલ થઈ હતી એનું આ પરિણામ છે. ખરેખર તો એમ છે. હવે એનો અભિપ્રાય તો ત્યાં છે જ. આવડું મોટું ફળ આવ્યું હોય ત્યારે એનો અભિપ્રાય નથી એમ નથી. જ્યારે આખો ભવ કોઈ એક સંપ્રદાયમાં જન્મવાનો થાય છે ત્યારે એનો અભિપ્રાય અનુસાર નથી, એમ તો નથી. હવે એ અભિપ્રાય આખો બદલવો હોય, સમ્યફ અભિપ્રાય કરવો હોય, ત્યારે આખું જીવન બદલવાનું જે કાર્ય છે એવું મોટું કાર્ય એને કરવાનું આવે છે. એમાં એને ઘણું મંથન ચાલે ત્યારે એ અભિપ્રાય બદલાય છે, ત્યાં સુધી એનો અભિપ્રાય બદલાય નહિ.
અભિપ્રાય એ વિચાર અને મંથન સાથે સંબંધિત એક નિશ્ચિત થયેલો નિર્ણયનો પ્રકાર છે, અને એ નિર્ણયને અને માન્યતાને નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે. જેવો અભિપ્રાય છે એવું એનું માનવું છે, એવો એનો મત છે. એમ છે ખરેખર. એટલે જ્ઞાનને અને શ્રદ્ધાને આમ નિમિત્ત-નૈમિત્તિક સંબંધ પડે છે. મુખ્ય પ્રવૃત્તિ જ્ઞાન દ્વારા થાય છે અને ફેરફાર પણ જ્ઞાન દ્વારા થાય છે. એટલે શ્રદ્ધા જેને બદલવી છે, શ્રદ્ધાનો ફેરફાર જેને લાવવો છે એને અભિપ્રાયપૂર્વક શ્રદ્ધા ફરશે, એમ કહેવું છે. એનું જીવન જે બદલાશે એ અભિપ્રાય બદલાશે તો બદલાશે, નહિતર જીવન બદલાશે નહિ. એટલે એ રીતે એ બહુ મુદ્દાનો વિષય છે.
અભિપ્રાયનો વિષય એ મુદાનો વિષય છે. એને તપાસવું એ જોઈએ કે અભિપ્રાયમાં ફેર પડ્યો છે કે નહિ ? પોતાને અને પરને બરાબર નક્કી કરવા માટે અભિપ્રાયને લક્ષમાં લેવો જોઈએ કે અભિપ્રાયમાં શું રહ્યું છે? બસ ! તદ્અનુસાર કાર્ય થવાનું છે. બીજી રીતે એનું કોઈ કાર્ય થશે નહિ.
પ્રશ્ન :- અભિપ્રાય તો અનુકૂળતા પ્રાપ્ત થવાનો અને પ્રતિકૂળતા ન રહે, એવો અભિપ્રાય છે ?