________________
૨૭
અનુભવ સંજીવની
પરમ ગંભીર વિષય દ્રવ્યાનુયોગમાં છે. નિશ્ચય અધ્યાત્મના ઉપદેશની પ્રધાનતા વડે, દયા - દાનાદિ પરિણામનો અહીં નિષેધ આવે છે. તેમાં સ્વભાવ દૃષ્ટિ કરાવવાનો હેતુ છે. સ્વભાવની અભેદતા સાધવા, આ જ હેતુથી દ્રવ્યાનુયોગ અનુસાર - ગુણ પર્યાયના ભેદોનું જે નિરૂપણ છે . (જે વ્યવહારનયના વિષયભૂત સમસ્ત સિદ્ધાંતો છે) તેને–ભેદને નિરસ્ત કરવાની શૈલીથી અધ્યાત્મ પ્રધાનતા અભેદતા કરાવે છે - સાધે છે. યથાર્થતામાં આવી દૃષ્ટિની પ્રધાનતા સામે સંશય કે અનાદર ભાવ થતો નથી પરંતુ વિશેષ આદર - મહિમાના ભાવ થાય છે. તેમ છતાં દ્રવ્ય, ગુણ, પર્યાયનું ભેદરૂપ નિરૂપણ - જે આગમ અનુસાર છે, તેના જ્ઞાનમાં પણ સપ્રમાણતા રહે છે જરાપણ અન્યથા કલ્પના થતી નથી. એવું સંતુલન રહે તે આ વિષયની ગંભીરતા છે અર્થાત્ સમ્યક્ એકાંત અને અનેકાંત છે.
૧. આ વિષયમાં અયથાર્થતા ઉત્પન્ન થાય ત્યારે કોઈને દ્રવ્ય, ગુણ, પર્યાયના ભેદ નિરૂપક સિદ્ધાંતોની મુખ્યતાનો એકાંત વર્તે છે. જે અભેદતા સાધક વચનો પરત્વે ગૌણતા અથવા અનાદર ઉત્પન્ન કરે છે. ત્યાં ભેદોનું જાણપણું મુખ્ય કરીને અધ્યાત્મ દૃષ્ટિની ગૌણતા થાય છે. તે યથાર્થ નથી.
૨. જ્યારે કોઈ તો, અધ્યાત્મ પ્રધાન (જ્ઞાની-આચાર્યોના) વિધાનોની મુખ્યતા કરે છે. પરંતુ ત્યાં આશયની ગંભીરતાને નહિ ગ્રહણ કરીને (કારણ અધ્યાત્મ તત્ત્વ જ્ઞાનમાં ભાસ્યું નથી.) અભેદતા સાધવાના પ્રયોજન - પુરુષાર્થને પ્રાપ્ત કરતા નથી. પરંતુ કલ્પનાથી દ્રવ્યનું - પદાર્થનું સ્વરૂપ અન્યથા ગ્રહણ કરે છે. જેથી ગૃહિત મિથ્યાત્વની ઉત્પત્તિ થાય છે. તે માત્ર અધ્યાત્મ કથનની શૈલીના રાગમાં રાચે છે. પરંતુ અધ્યાત્મભાવમાં પરિણમતા નથી તે યથાર્થ નથી. કથન શૈલીનો રાગ મુખ્ય થતાં - પુદ્ગલ રસ, વિકલ્પનો રસ વધે છે. તેમાં અધ્યાત્મ રસ નથી. પરંતુ અયથાર્થતામાં, અધ્યાત્મ રસ હોવાની ત્યાં ભ્રાંતિ થાય છે. તેમાં દ્રવ્યાનુયોગના સિદ્ધાંત જ્ઞાનથી વિરૂદ્ધ માન્યતા દૃઢ થઈ જાય છે. છતાં પોતે અધ્યાત્મી હોવાનું માને છે. સિદ્ધાંતજ્ઞાન અને અધ્યાત્મના ભાવ - જ્ઞાન વચ્ચેનું સંતુલન અને અનૈકાંતિક વલણ યથાર્થરૂપે રહેવું તે જ આ માર્ગની સૂક્ષ્મતા છે.
(૧૨૫)
*
પરિપૂર્ણ નિર્દોષતા (મોક્ષ)નું જેને ધ્યેય છે; તેવા સાચા આત્માર્થીને માત્ર નિર્દોષતાનું પ્રયોજન હોવાથી સર્વ પરિણમન આ પ્રયોજનના લક્ષે થાય છે. તેથી પ્રયોજન વિરૂદ્ધ એવી અયથાર્થતા થતી નથી. સમજણમાં સર્વ ન્યાયો નિર્દોષતાના પ્રયોજનને લક્ષે સમજવાની પદ્ધતિ હોવાથી, તે જ્ઞાન આગળ વધીને સમ્યજ્ઞાનમાં પરિણમે છે. તાત્પર્ય એ કે સમજણ કરવા પાછળ નિર્દોષતાનો એક માત્ર દૃષ્ટિકોણ હોવો ઘટે છે, નહિ તો માત્ર ઉઘાડ - ક્ષયોપશમની વૃદ્ધિ અર્થે વાંચન - શ્રવણની પ્રવૃત્તિ થાય. તેમાં સાથે અયથાર્થતાની ઉત્પત્તિ થાય છે. તેથી માત્ર શાસ્ત્ર જ્ઞાનના ઉઘાડ પાછળ વ્યામોહ
પામવું યોગ્ય નથી. પરંતુ શાસ્ત્ર જ્ઞાન પાછળના દૃષ્ટિકોણને સમજીને મૂલ્યાંકન કરવું યોગ્ય છે.(૧૨૬)