________________
અનુભવ સંજીવની
૪૭૩
સ્વરૂપમાં આસ્તિક્ય ભાવ કેળવવા અર્થે પ્રયોગકાળે નિજસ્વરૂપની અસંગતા, શુદ્ધતા, વારંવાર જોવી, તેમાં પણ ઉદયભાવો સમયે જે તે ઉદયભાવો વિરૂદ્ધ સ્વભાવભાવોનું લક્ષ થવું ઘટે. જેમકે તન્મયતા પોતાપણું થતાં અસંગતાને લક્ષમાં લેવી, ઉપાધિ કાળે નિરૂપાધિકપણું, વિકાર સામે નિર્વિકારપણું, પર અવલંબન-આધાર સામે નિરાવલંબનપણું, અપેક્ષાભાવ સામે નિરપેક્ષતા, અશાંતિ સામે પરમશાંત સ્વભાવ, વિકલ્પ સામે નિર્વિકલ્પ સ્વભાવ આદિ પ્રકારે અભેદ એકરૂપ દ્રવ્યમાં અહંભાવ થતાં સ્વરૂપમાં આસ્તિકય દઢ થાય.
(૧૮૬૩)
Vનિજ વિચાર થવાનો અવકાશ પ્રાપ્ત થાય એવા સત્સંગયોગે જીવનો પુરુષાર્થ ઉપડતો નથી, તે શિથિલતાનો પ્રકાર છે. તેને માત્ર શિથિલતા સમજી, હળવો દોષ સમજી નિર્ભય રહેવું કે અજાગૃત રહેવું – થોડા સમય માટે પણ નિર્ભય કે ઉપેક્ષિત થવું તે જીવની અતિશય નિર્બળતા છે, અવિવેકતા છે, ટાળવામાં ઘણો પુરુષાર્થ માગે એવો બળવાન મોહ છે, અને વર્તમાન સ્થિતિ બહુ હાનિકારક નથી – એવી ભ્રાંતિ છે. બહુભાગ મુમુક્ષુની આ પ્રકારની દશા છે, તેવા જીવોને માટે કૃપાળુદેવનું આ મહત્વનું માર્ગદર્શન છે; જે જરાપણ ગૌણ કરવા યોગ્ય નથી. (૧૮૬૪)
-
શાશ્વત નિજ સ્વરૂપની પ્રતીતિ જેને રહે, તેને જીવન અને મરણ સમાન હોય છે, દેહના સંયોગ – વિયોગનો હર્ષ–શોક થતો નથી, બંન્ને જ્ઞાનનું જ્ઞેય થાય છે. જેને જીવન-મરણમાં સામ્યપણું છે, તેને બીજા સર્વ પ્રકારના સંયોગ–વિયોગરૂપ ઉદય-પ્રસંગમાં વિષમભાવ થતા નથી. તેમજ શાશ્વત સ્વરૂપનાં અવલંબનથી અન્ય દ્રવ્યની આધારબુદ્ધિનો નાશ થાય છે. અને ચિંતા, શંકા, ભયના કારણે આકુળતા થાય, તેની ઉત્પત્તિ થતી નથી. સર્વ પ્રકારના ભયનો અભાવ થાય છે, ધ્રુવ તત્વની હૂંફે દીનતા થતી નથી. જીવને પર્યાયબુદ્ધિરૂપ મિથ્યાત્વનો નાશ, નિજ શાશ્વત પદના અવલંબન સિવાઈ અન્ય પ્રકારે થતો નથી. સ્વરૂપના અનંત સામર્થ્યનો સ્વીકાર ધ્રુવત્વને સ્વીકારવાથી આવે છે. આ એક ગંભીર વિષય સમજવા યોગ્ય છે.
(૧૮૬૫)
માર્ચ - ૧૯૯૯
જ્ઞાનીપુરુષનો માર્ગ મોહનો નાશ કરવાનો છે, તે વિષયના તે અનુભવી છે. મોહથી જ સંસાર છે. જે જીવ મોહ ભાવને સમજી શકતો નથી. તે અન્યથા ઉપાયમાં લાગે છે. પ્રાયઃ સંપ્રદાયો તેમ અન્યથા ચાલે છે. મોહને લીધે પદાર્થનું સ્વરૂપ ઈષ્ટ-અનિષ્ટ ભાસે છે અથવા પોતાના નહિ એવા અન્ય પદાર્થમાં પોતાપણું થાય છે અને તેમાંથી અસંખ્ય પ્રકારના દોષ પાંગરે છે. દોષના ફળમાં દુઃખની ઉત્પત્તિ છે.
(૧૮૬૬)