________________
અનુભવ સંજીવની
૪૬૫ ઉપકારી શ્રીગુરુ પ્રત્યે પરમ ભક્તિ ભાવ ઉપજે ત્યારે નિમિત્તની મુખ્યતા થાય છે, જે ખરેખર આત્માની મુખ્યતા છે. એમ સમજવા યોગ્ય છે.
(૧૮૨૯)
ઉદાસીનતા, વૈરાગ્ય, નીરસતા ભૂમિકા અનુસાર હોય છે. જેની યથાર્થ પ્રકારે શરૂઆત પરિભ્રમણની ચિંતનાથી થાય છે અને જેમ જેમ મુમુક્ષતા વર્ધમાન થાય છે તેમ તેમ ઉદાસીનતાનીરસતા પણ વધતી જાય છે. તેનું લક્ષણ એ છે કે અનુકુળતામાં પણ ગમવા પણું ન હોય, અને સંસાર પ્રત્યયી પરિણામો થતાં જીવને કાયરપણું આવી જાય. યથાર્થ વિરક્તિથી અનંતાનુબંધી કષાય અને દર્શનમોહની શક્તિ ઘટતા અભાવ થવાનો અવસર આવે અને મોક્ષમાર્ગમાં પ્રવેશ થાય.
ઓઘસંજ્ઞાએ બાહ્યદૃષ્ટિએ અયથાર્થ વૈરાગ્યથી મોક્ષમાર્ગની પ્રાપ્તિ નથી. તેમજ અવેરાગ્ય દશાએ – વૈરાગ્ય વિના પણ મોક્ષમાર્ગની પ્રાપ્તિ નથી.
મોક્ષમાર્ગમાં શુદ્ધ સ્વરૂપનો અનુભવ જ વૈરાગ્યનો અને સર્વ ઉદય પ્રસંગમાં સમભાવનો ઉત્પાદક છે. શુદ્ધ જ્ઞાન છૂટું જ અનુભવાય ત્યાં સહજ નીરસતા રહે.
(૧૮૩૦)
કાળલબ્ધિ પાકે ત્યારે જીવ પરમાર્થમાર્ગ પ્રત્યે વળે છે. તેમ થવામાં જીવ પોતે જ કારણ કાર્યરૂપે છે. તેની યથાર્થ સમજ કાળલબ્ધિ જેની પાકી નથી તેને હોતી નથી. જેને કાળલબ્ધિ પાકી છે, તેને તેની યથાર્થ સમજ હોય છે. અને તે કાળે સહજ પુરુષાર્થ અને નિમિત્તાદિ હોય છે, તેનું બધા પડખેથી સમાધાન પણ આવે છે. જે જીવ કાળલબ્ધિ પ્રાપ્ત થયા પહેલા આગમથી તે વિષયની ધારણાપૂર્વક પોતાના માટે કાળલબ્ધિનો આધાર લ્ય છે. તે ભૂલે છે, માર્ગ / ઉપાયની ભૂલ કરે છે. જ્ઞાની પણ કાળલબ્ધિનો આધાર લેતા નથી, પણ તેનું જ્ઞાન તેમને હોય છે.
(૧૮૭૧)
- પરમ સત્સંગમાં અનુપમ અને અલભ્ય એવો અપૂર્વ આત્મકલ્યાણકારી ઉપદેશ સ્પષ્ટપણે પ્રાપ્ત થાય છે, તોપણ જે જીવ આજ્ઞાંકિત ભાવે તે સત્સંગને ઉપાસે નહિ, તો તેનો પારમાર્થિક લાભ જીવને પ્રાપ્ત ન થાય–તેથી એમ સિદ્ધ થાય છે કે આજ્ઞાંકિતપણું – એ જ્ઞાનની નિર્મળતાનું કારણ છે. સંપૂર્ણઆજ્ઞાંકિતપણું જેને આવે છે, તેને પરમ સત્સંગયોગનું સાચું મૂલ્યાંકન થયું છે અથવા નિજ હિતની સાચી સૂઝ આવી છે. જેના ફળસ્વરૂપે જીવને અવશ્ય જ્ઞાન પ્રાપ્તિ થાય છે અને સંસાર તરી જાય છે. સંપૂર્ણ આજ્ઞાંકિતપણાથી સર્વાર્પણબુદ્ધિ થાય છે. જેથી મોહને રહેવાનું કોઈ ઠેકાણું – આધાર રહેતું નથી, તે જીવ આજ્ઞામાં જ એકતાન હોય છે. (૧૮૩૨)