________________
અનુભવ સંજીવની
૪૩૩
છે ! તેથી સદ્ગુરુની આજ્ઞા સર્વ ધર્મ સંમત છે. વિચારવાન અને પ્રયોજનની પક્કડવાળો જીવ આ ઉત્કૃષ્ટ ઉપાયને ગ્રહણ કરી સિદ્ધપદ પામે છે. Zmp.
(૧૭૧૮)
ભાવનામાં પોતાપણું કરવાની પ્રગટ શક્તિ છે. તેથી તેનું ફળ પણ મહાન છે. સ્વરૂપમાં એકત્વ / પોતાપણું કરવાથી તેનું ફળ કેવળજ્ઞાનાદિ પૂર્ણદશા પ્રાપ્ત થાય છે, પરંતુ અનાદિથી જીવ પરને ભાવી–ભાવીને ભવભ્રમણ કરી રહ્યો છે. તેથી આ સ્પષ્ટ છે કે જીવને પરિભ્રમણનું કારણ પરની ભાવના છે. જો જીવ ભાવનાથી નિજ સ્વરૂપને ભાવે તો અવશ્ય તરી જાય. “આતમ ભાવના ભાવતાં જીવ લહે, કેવળજ્ઞાન રે.’ (પ.કૃ.દેવ) પરની ભાવનાથી ભવભ્રમણ અને સ્વરૂપની ભાવનાથી ભવભ્રમણનો નાશ; કારણકે આત્મસ્વરૂપ સ્વયં ભવ રહિત છે આમ મોક્ષમાર્ગને વિષે સ્વરૂપની ભાવનાનો અનુપમ અને અગણિત લાભ છે અને આ અફર સિદ્ધાંત હોવાથી ભાવનાનું અત્યંત મહત્વ છે.
(૧૭૧૯)
જો જીવને પરિભ્રમણની ચિંતના અને વેદના ન આવતી હોય તો તેનો ખેદ થવો / રહેવો ઘટે. જો ખેદ યથાર્થ હોય તો ઉદયમાં જાગૃતિ રહે છે. કારણકે ઉદયમાં પરિભ્રમણના કારણરૂપ પરિણામ થાય છે. જો તેવી જાગૃતિ નથી તો ખેદ થયો તેથી શું ? અજાગૃતિને લીધે ચિંતનામાં પ્રવેશ થતો નથી. અને જે પરિભ્રમણ થવાનું છે, તેનું જોખમ / (ખતરો) દેખાતું નથી. અને તેથી ચિંતા પણ થતી નથી–એમ સમજવા યોગ્ય છે. સંક્ષેપમાં વાત એમ છે કે પોતે અજાગૃત દશામાં (મોહનિંદ્રા) પરિભ્રમણના કારણરૂપ પરિણામોનું સેવન કરી રહ્યો છે, તે વાત લક્ષ ઉપર આવી નથી, અર્થાત્ સ્વલક્ષે તેવું સમજાયુ નથી. આ અત્યંત કરુણાજનક સ્થિતિ છે.
(૧૭૨૦)
આત્મકલ્યાણની ભાવનાપૂર્વક ઉદયમાં પ્રયોગ થવો ઘટે. ભાવના હોય તો જ પ્રયોગ ચાલે નહિતો વિકલ્પ થાય. જો પ્રયોગ ન ચાલે તો ઉદયમાં જોડાઈને નવું કર્મ જીવ બાંધે છે. મોક્ષાર્થી જીવ ઉદયને પ્રયોગનું સાધન બનાવે છે. તેથી તે ઉદયમાં તણાતો નથી પરંતુ ઉદયમાં પોતાપણું અને કર્તાપણું આદિ મટાડવાનો પ્રયાસ કરે છે. અને સચેત તથા અચેત બંન્ને દ્રવ્યોમાં તે તે દ્રવ્યોની સ્વતંત્રા સ્વીકારી અધિકારબુદ્ધિ તોડવાનો પ્રયાસ કરે છે. જો પોતાપણું પાતળુ પડે તો વિભાવરસ તીવ્ર ન થાય. આ પ્રકારે ભેદજ્ઞાનના પ્રયોગથી અનઉદય પરિણામરૂપ મોક્ષમાર્ગની પ્રાપ્તિ થાય
છે.
(૧૭૨૧)
યથાર્થ સમજણમાં પારમાર્થિક લાભનું તુલનાત્મકપણે સર્વોત્કૃષ્ટ મૂલ્યાંકન આવે છે. જેથી અન્ય વ્યવહારીક / ઉદય પ્રસંગો ગૌણ થઈ જાય છે. અથવા જેનાથી ઉપકાર થયો છે, વા પારમાર્થિક