________________
૪૨૨
અનુભવ સંજીવની
ફેબ્રુઆરી - ૧૯૯૭
ઉપદેશબોધ વ્યવહાર નયાત્મક છે. જ્યારે સિદ્ધાંતબોધ પ્રધાનપણે નિશ્ચયનયાત્મક છે. યથાર્થ શૈલીમાં કારણ - કાર્યની સંધિ રહેલી છે. વિધિ અને નિષેધ બંન્ને કથનોમાં પ્રયોજનની સિદ્ધિ થાય છે, જે યથાર્થતાની દ્યોતક છે. જો માત્ર ઉપદેશબોધ ઉપર વજન રહે, તો `પર્યાય આશ્રય' દૃઢ થઈ જાય, તેથી સિદ્ધાંતબોધના તાત્પર્યભૂત એવો જે નિશ્ચય સ્વરૂપનો આશ્રય, તે થવામાં વિટંબણા થાય. અને કારણ-કાર્યની શૃંખલા તૂટે. તેમ ઉપદેશ બોધ પરિણામ પામ્યા વિના સિદ્ધાંતનું પરિણમવું અશક્ય છે. તેથી ક્રમ તૂટવો ન જોઈએ. અને વજન પણ યથાયોગ્ય જવું જોઈએ. “નિશ્ચય રાખી લક્ષમાં (વ્યવહાર) સાધન કરવા સોય.''
(૧૬૭૧)
દૃઢ મુમુક્ષુતા પ્રગટ થયે, નિજ પરિણામોનું અવલોકન શરૂ થાય છે અને પ્રારંભમાં જ સ્વરૂપની ખોજ-રૂપ જિજ્ઞાસા ઉત્પન્ન થાય છે- તેથી અહીં ઉપદેશબોધ સિદ્ધાંતબોધના કારણભૂત પણાને પામે છે, અર્થાત્ પરિણામોનું અવલોકન થવામાં પરિણામ ઉપર વધુ વજન રહે નહિ, તેમ સહજ બને છે. તે પ્રકારે જો અવલોકન ન થાય તો પર્યાયબુદ્ધિ દૃઢ થાય છે, અને અવલોકનનું યથાર્થ પરિણામ આવતું નથી.
(૧૬૭૨)
આત્મરુચિપૂર્વક નિજાવલોકન સૂક્ષ્મ થઈ રાગની ભિન્નતા સ્પષ્ટપણે કરે છે. વારંવાર પ્રસંગે પ્રસંગે ભિન્નતાનો પ્રયોગ ચાલુ રહે તે પુરુષાર્થનું લક્ષણ છે. અન્યથા વિકલ્પ છે, ભેદજ્ઞાન નથી; ભેદજ્ઞાનના પરિણમનમાં રાગ / વિકલ્પની સ્પષ્ટ ભિન્નતા થાય છે. જડ ચૈતન્યની જેમ ભિન્નતા માલૂમ પડવી જોઈએ.
(૧૬૭૩)
સ્પષ્ટ માર્ગદર્શન પ્રાયઃ ભૂલ ન થાય તેનું કારણ બને છે, તેથી ઈચ્છનીય છે. તથાપિ માત્ર ધારણા થવાથી અને યથાર્થ પ્રયોગના અભાવમાં, જીવ વિકલ્પમાં ચડી જાય છે, તો વિધિની ભૂલ થાય છે. તેથી સ્પષ્ટતા વિકલ્પે ચડવાનું કારણ ન બને, તેની સાવધાની રહેવી ઘટે છે. વાસ્તવમાં પરિપકવ યોગ્યતા થયા વિના, જીવ કલ્પનાએ આગળ વધવા ઈચ્છે, તેથી માર્ગ મળતો નથી.
(૧૬૭૪)
પરલક્ષીજ્ઞાનમાં સમજણ બરાબર હોય તોપણ, ઓઘસંજ્ઞા હોય છે, તેથી તે બાહ્યજ્ઞાનનો ઉઘાડ માત્ર છે. સ્વલક્ષીજ્ઞાન અમલીકરણના પ્રેરકબળ વાળું હોવાથી, જ્ઞાન અનુસાર પરિણમન આવે છે.
* (૧૬૭૫)