________________
અનુભવ સંજીવની
૪૧૩
// જે જે ભાવો અને જે જે વચનો પરસન્મુખતા અને બાહ્યદૃષ્ટિપણું છોડાવે અને જે જે ભાવો અંતર્મુખ થાય વા થવાના કારણભૂત થાય તથા જે જે વચનો અંતમુર્ખ થવાના કારણભૂત થાય, તે તે સર્વભાવો અને વચનો (સ્વાનુભવી પુરુષના) સમ્યક્ છે.આ લક્ષણોથી, અતિ સૂક્ષ્મ એવું, સમ્યક્ત્વ પરખવા યોગ્ય છે.
(૧૬૨૮)
જીવ કદી એવી પણ ભૂલ કરે છે કે વિચારને મુખ્ય કરે છે અને અનુભવને ગૌણ કરે છે, તેથી વિચારોનાં વમળમાં ફસાય છે. ખાસ કરીને સત્પુરુષના સમાગમમાં આવેલ જીવ, એકાંત આત્મકલ્યાણની ભાવનાના પોષણરૂપ અનુભવને જ્યારે ગૌણ કરીને, વિચારોને મુખ્ય કરે છે ત્યારે શંકાના વમળમાં પડી માર્ગનો ક્રમ (ઉપકારબુદ્ધિપૂર્વકનો વિનય) ચુકી જાય છે અને અપૂર્વ સુયોગ ખોઈ બેસે છે. તેમાં પણ કુસંગની અસર આવી યોગ્યતાવાળાને ઘણી જ નુકસાનકર્તા થાય છે.(૧૬૨૯)
સંતોનો માર્ગ ખરેખર અદ્ભુત છે. મહા સમર્થ દિજ આચાર્યો અને યુગપુરુષ જેવા મહાત્માઓ પણ પોતાના શ્રીગુરુનો ઉપકાર ભૂલતા નથી અને પ્રસિદ્ધપણે ગાય છે; વિનમ્ર થઈને ગાય છે. તેમનું હૃદય આ પરિપ્રેક્ષ્યમાં દ્રવિત થાય છે ! ત્યારે તેમને અત્યંત ભક્તિએ નમસ્કાર સહેજે થઈ જાય છે. મુમુક્ષુજીવ પણ ઉપકારબુદ્ધિએ વર્તે તો અનેક સંભવિત દોષોથી બચી જાય, અને તરી જાય.
(૧૬૩૦)
નવેમ્બર ૧૯૯૬
//પરિભ્રમણની વેદનામાં, પરિભ્રમણના કારણભૂત અજ્ઞાન અને અજ્ઞાનના કારણભૂત રાગના કર્તૃત્ત્વનો તીવ્ર નિષેધ છે. અને પરંપરાએ જ્ઞાતાપણાનો / અકર્તાપણાનો આદર છે. – આમ સન્માર્ગ પ્રતિના પ્રથમ ચરણનાં મૂળ ઘણાં ઊંડા છે અને સંસાર પરિભ્રમણનાં બીજના નાશક છે.
(૧૬૩૧)
ધાર્મિકક્ષેત્રમાં રુઢિનું સામ્રાજ્ય વ્યાપેલું છે. જેમકે ક્રોધી સૌની નજરમાં આવે છે, પરંતુ માયાવી વધારે અપરાધી હોવા છતાં તેમ પ્રસિદ્ધ નથી. તેવી જ રીતે જુગાર, દારૂ, માંસ ભક્ષણ વગેરે દોષ લોકમાં ધૃણાપાત્ર ગણાય છે. પરંતુ શરીર, કુટુંબ અને સંપત્તિ આદિ પરમાં નિજબુદ્ધિના પરિણામો (અજ્ઞાન / દર્શનમોહના હોવાથી) ભયંકર સંસાર પરિભ્રમણ અને અધોગતિના કારણો હોવા છતાં સર્વ સાધારણપણે, જાણે કે કોઈ અપરાધ જ ન હોય, (પણ ફરજ અને ધર્મ હોય) તેમ ગણવામાં આવે છે. કેવું ઘોર અજ્ઞાન સંસારમાં વ્યાપેલું છે, તે વિચારવા યોગ્ય છે અને આત્માર્થીએ આવા પરિણામોમાં સાવધાની રાખવા યોગ્ય છે. (૧૬૩૨)