________________
અનુભવ સંજીવની
૩૯૭ અલ્પ માત્રામાં તેનું કથન આવે છે. પરંતુ તે ધર્માત્મા જ્ઞાની પુરુષના જ્ઞાનગોચર છે. તેથી ભલે તે વિષયમાં પૂરું ન કહેવાય, તોપણ કહેતાં કહેતાં જ્ઞાનીનું પરિણમન પ્રદર્શિત થઈ જાય છે, તે આત્મભાવોનું દર્શન છે અને એ જ જ્ઞાનીનું દર્શન છે, જે ભાષાથી પાર છે. ભાષાથી પણ અધિક રહસ્ય તેમની ચેષ્ટામાં પ્રદર્શિત થાય છે. જ્ઞાનીના પ્રત્યક્ષ યોગની આ અપૂર્વ ઘટના અપૂર્વ લાભનું કારણ છે.
(૧૫૬૪)
સજીવનમૂર્તિની ઓળખાણ તેના સમ્યકત્વથી આવે છે. જે જીવ સ્વરૂપ સન્મુખના પુરુષાર્થમાં લાગેલો હોય, જેને અંતરાત્મવૃત્તિ ઉત્પન્ન થઈ હોય, તેને સજીવનમૂર્તિની ઓળખાણ થાય છે. સમ્યકત્વ જ્ઞાની, મુનિ અને કેવળી – ત્રણેમાં સામાન્ય છે. તેથી તે ત્રણમાંથી કોઈપણ એકના યોગે – પ્રત્યક્ષ યોગે ઓળખાણ થવાનો અવકાશ છે; જે સમકિતનું બીજ છે. સમકિત થવા અર્થેના પરિણામની શ્રેણિ અહીંથી શરૂ થાય છે. અન્ય પ્રકારે શરૂ થતી નથી.
(૧૫૬૫)
જૂન - ૧૯૯૬ / જિજ્ઞાસા : કોઈપણ વ્યક્તિના પરિચયથી ઓળખાણ થાય છે, અને પૂર્વગ્રહ પણ બંધાય છે, તો તે કેમ સમજાય કે પૂર્વગ્રહ થયો કે નહિ ? અમારે પૂર્વગ્રહ ન થાય તેવો ભાવ છે? તેમજ જો પૂર્વગ્રહ હોય તો તે મટાડવાનો પ્રયોગ શું ?
સમાધાન : ઓળખાણ કરનાર મધ્યસ્થ રહે તો પૂર્વગ્રહ ન બંધાય, પરંતુ દોષદષ્ટિને લીધે પૂર્વગ્રહ બંધાઈ જાય છે. •
મધ્યસ્થભાવે ઓળખાણ હોય તો, સામાના ગુણ કે દોષમાં વૃદ્ધિ થઈ હોય તે યથાર્થપણે સમજાઈને સ્વીકાર આવે છે, પરંતુ જો પૂર્વગ્રહ બંધાયો હોય તો તેવો ફેરફાર સમજાતો નથી અથવા ખ્યાલમાં આવે તો પણ તેનો સ્વીકાર થતો નથી.
પરમાર્થમાર્ગમાં પૂર્વગ્રહ અત્યંત હાનિકારક છે. તેનાથી પર્યાયદષ્ટિ દૃઢ થઈ જાય છે અને યોગ્યતા રોકાઈ જાય છે. તેમાં અભિપ્રાયનો દોષ હોવાથી, વિપર્યાસ ચાલુ રહે છે, જે પુરુષાર્થને ઉત્પન્ન થવા દેતો નથી
તેથી જેને આ પ્રકારના દોષથી બચવું હોય, તેણે જે તે વ્યક્તિ પ્રત્યે પૂર્વગ્રહ રહે તો હોય, તેની સાથે પ્રત્યક્ષ પ્રસંગમાં પૂર્વગ્રહ રહિતપણે વર્તવાનો પ્રયાસ કરવો જોઈએ. અને તે વ્યક્તિના સંબંધમાં મધ્યસ્થભાવે વિચારી, વર્તવાનો પ્રયાસ કરવો ઘટે. પૂર્વગ્રહ એક પ્રકારનું શલ્ય છે. તેવી ગંભીર નોંધ લેવી ઘટે. પરિણામની ગાંઠ પૂર્વગ્રહ છે. આવી ગ્રંથિ ભેદાયા વિના પુરુષાર્થની ગતિ ઉપડે નહિ.
(૧૫૬૬)