________________
અનુભવ સંજીવની
૩૮૯
જ્ઞાનાભ્યાસ વિના ધ્યાનનો કોઈ અભ્યાસ / પ્રયત્ન કરે તો તે વિધિના ક્રમને સમજતા ન હોઈ કલ્પનાએ ચડે છે.
(૧૫૨૭)
આત્માર્થીએ અન્યના દોષ જણાઈ આવે ત્યારે તેને ગૌણ કરવા, જેથી અનાદિ ‘દોષદષ્ટિ’ મોળી પડે, જો દોષને જોઈ મુખ્યતા થાય તો દોષદૃષ્ટિ બળવાન થઈ દર્શનમોહ વધે. બીજાના અલ્પ ગુણને પણ મુખ્ય કરવા. આ નિજ હિતના માર્ગે આગળ વધવાની યોજના છે.
(૧૫૨૮)
—
*
V/ જિજ્ઞાસા :– સત્સંગમાં, ધર્મ-સાધનોમાં જીવો કેવા કેવા પ્રકારે અટકે છે, તેની ચર્ચા થાય છે, પરંતુ સત્સંગમાં કોઈ અટકે તો તે કેવા પ્રકારે અટકે ?
સમાધાન :-- સત્સંગમાં અનેક વિષય ચર્ચાય છે. ત્યાં પોતાને લાગુ પડે તેનું જ પોતાને પ્રયોજન છે, તેવું લક્ષ ન રહે તો તે સિવાયના અન્ય અપ્રયોજનભૂત વિષયોની ચર્ચામાં સમય જાય છે, અને તેની ખબર રહેતી નથી, આમ કહેવાતા સત્સંગમાં જીવ સંતોષાઈ જાય, તો અટકે છે, કોઈપણ પ્રકારના બાહ્ય ધર્મસાધનમાં સંતોષાવું, તે તે ધર્મસાધન કર્યાની ગણત્રી થવી તે, અટકવાનું લક્ષણ છે. (૧૫૨૯)
જિજ્ઞાસા આત્મસ્વરૂપને પ્રગટ દર્શાવનારા જ્ઞાનીપુરુષના વચનો મળ્યા છે, તો યથાર્થપણે આત્મસ્વરૂપ કેમ સમજાય કે પરિણામે તે આત્મસ્વરૂપનો પ્રગટ અનુભવ થાય ?
સમાધાન :- પરમાર્થના અત્યંત અભ્યાસે આત્મસ્વરૂપ અત્યંત સ્પષ્ટ સમજાય છે અને તેથી તેનો પ્રગટ અનુભવ થાય છે. પરમાર્થનો અત્યંત અભ્યાસ એટલે આત્મકલ્યાણરૂપ પ્રયોજનની પક્કડ અને વારંવાર – ‘સતત ભાવનાપૂર્વક' જો તે વચનોનું અવગાહન પરિચર્યન થાય તો આત્મસ્વરૂપ સ્પષ્ટ ભાસે છે, જે ભાસવાથી આત્મસ્વરૂપ પ્રગટે છે.
(૧૫૩૦)
-
જિજ્ઞાસા ઃ- પોતાના પ્રત્યક્ષ ઉપકારી જ્ઞાનીપુરુષની પ્રસિદ્ધિ કરવામાં લોકસંજ્ઞા (?) (લોકોના ડરથી) જાહેરમાં વંદન, ભક્તિભાવ આદિ ભાવોને રોકવા જોઈએ કે કેમ ?
સમાધાન :- લોકોના ડરથી કોઈ પ્રવૃત્તિ કરવી ન કરવી તેવું આત્માર્થીને હોય નહિ. પ્રત્યક્ષ ઉપકારી પ્રત્યે તેને અનન્યભાવે સહજ ભક્તિ આવે છે, તેથી જાહેરમાં વંદનાદિની પ્રવૃત્તિ થઈ જાય છે, જે સ્વ-પર હિતકારી છે. તેથી તેવી પ્રવૃત્તિ (સ્વપર હિતકારક) અંગે કોઈ પ્રકારે અન્યથા વિકલ્પ કર્તવ્ય નથી. જો કે જ્ઞાનીને પ્રસિદ્ધિ ગમતી નથી. (૧૫૩૧)