________________
૩૮૬
અનુભવ સંજીવની
મુમુક્ષુને જ્ઞાનીપુરુષ પ્રત્યે તેમના સમાગમથી ઉપજેલ અસરને લીધે, ભક્તિ ભાવ, બહુમાનનો ભાવ ઉપકાર બુદ્ધિથી સહજ રહે. પરંતુ તદ્ ઉપરાંત પ્રેમભાવ ઉત્પન્ન હોય તો તે એક વિલક્ષણ પ્રકાર છે, તેમ સમજવા યોગ્ય છે. પ્રાયઃ જ્ઞાનીની ઓળખાણ થયે ભક્તિ પ્રેમરૂપ હોય છે, પરંતુ પ્રથમથી જ પ્રેમભાવ ઓઘભક્તિ હોવા છતાં, ઉત્પન્ન હોય તો તેને ઉપદેશ પરિણમવાનું પણ તે કારણ થાય છે, કેમકે પ્રેમમાં સમર્પણતા ખાસ કરીને હોય છે. જે નિર્મળતા લાવે છે, નિકટતા લાવે છે, – ઐક્યભાવ ઉત્પન્ન કરે છે.
(૧૫૧૫)
જાન્યુઆરી - ૧૯૯૬
પરિભ્રમણની વેદના – સૂરણાથી જ આત્મજાગૃતિની શરૂઆત થઈ જાય છે. યથાર્થ વેદનાનું આ લક્ષણ છે. ત્યારબાદ જેમ જેમ આત્માર્થી આગળ વધે છે, તેમ તેમ જાગૃતિ વધતી જાય છે. (૧૫૧૬)
પ્રકૃતિગત્ પરિણમન પણ બે પ્રકારે છે, જેમાં પરસ્પર પ્રતિપક્ષી પરિણમન હોય છે. જેમકે માનથી વિરુદ્ધ લૌકિક નમ્રતા, માયાથી વિરુદ્ધ લૌકિક સરળતા, અપ્રમાણિકતાથી વિરૂદ્ધ લૌકિક પ્રમાણિકતા / ઉદારતા વગેરે લૌકિકમાં નમ્રતા પ્રમાણિકતા, સરળતા આદિ ગુણો ગણાય છે, પરંતુ તે પારમાર્થિક માર્ગમાં ગુણો નથી, પારમાર્થિક માર્ગમાં તે જ પ્રકારના ગુણો આત્મલક્ષી હોય છે, તેથી પરમાર્થમાર્ગમાં જેનો પ્રવેશ થાય છે, તેને તે ગુણો આગળ વધવામાં કારણભૂત થાય છે, વા ઉપકારી થાય છે, નહીં તો લૌકિકગુણો માત્ર મંદકષાયથી કશું જ વિશેષ નથી. (૧૫૧૭)
જિજ્ઞાસા : અમે પરદેશ (અમેરિકા) રહીએ છીએ, ત્યાં સમ્યક્દર્શનની પ્રાપ્તિ થઈ શકે? ન થવાનું શું કારણ ?
સમાધાન : સમ્યક્દર્શનની પ્રાપ્તિને ક્ષેત્ર સાથે સંબંધ નથી. ફક્ત જ્ઞાનીપુરુષ જોઈએ. સત્ સુગમ અને સરળ છે, સર્વત્ર તેની પ્રાપ્તિ થઈ શકે છે, તથાપિ પ્રત્યક્ષ જ્ઞાનીપુરુષ વિના પરિણામને અંતર્મુખ થવાનો પ્રયોગ જોવા મળતો નથી અને તેથી અંતર્મુખ થવા માટેની દિશા સૂઝતી નથી. પ્રત્યક્ષ યોગે અને તથારૂપ યોગ્યતા પ્રાપ્ત થયે, ‘બીજજ્ઞાન’ની પ્રાપ્તિ જ્ઞાની દ્વારા જ થાય છે, જે સમ્યક્ત્વનું અંગ છે. (૧૫૧૮)
જાન્યુઆરી - ૧૯૯૬
દ્રવ્યાનુયોગઆદિ સર્વ શાસ્ત્રના સિદ્ધાંતને પારમાર્થિક પ્રયોજનના દૃષ્ટિકોણથી વિચારવા યોગ્ય છે. અન્યથા સિદ્ધાંતોનું જ્ઞાન પણ માત્ર સંકલ્પ-વિકલ્પના પ્રતિબંધનું કારણ થાય છે.