________________
અનુભવ સંજીવની
૩૬૩
v પ્રશ્ન :- પરપદાર્થની ઇચ્છાપૂર્વક પ્રાપ્તિ થાય છે, ત્યાં દુઃખ કેમ લાગે ? ત્યાં તો સુખાનુભવ થવો સહજ છે, આમ થવાનું શું કારણ ?
સમાધાન :- યથાર્થપણે, જ્યાં સુધી જ્ઞાનમાં નિર્મળતા ન આવે ત્યાં સુધી સુખાભાસમાં ખરેખર સુખ'નો અનુભવ થાય છે. તેવી ભૂલ યથાર્થપણે દર્શનમોહનો અનુભાગ ઘટવાથી, પકડાય છે. તેવી નિર્મળતાથી જ્ઞાનમાં સુખનું રૂપ જણાય છે અને આત્મામાં અનંત સુખ છે તેનો નિશ્ચય થાય છે. આકુળતારૂપ દુઃખ ઈચ્છામાં રહેલું છે. તેમાં સુખનો અનુભવ થવો તે જ્ઞાનનો વિપર્યાસ છે.
(૧૩૯૩)
/ આત્મહિતમાં ખરેખર સાધન તો પોતાના પરિણામો છે. પરંતુ જ્યારે પરિણામમાં સહજ જાગૃતિ ન આવે ત્યારે અંતરંગ સાધન અર્થે સત્સંગ સત્શાસ્ત્ર આદિ બાહ્ય સાધન ઉપકારી છે; તેમાં પણ સત્સંગ મુખ્ય રાખવા યોગ્ય છે. અંતર સાધનના હેતુથી બાહ્ય સાધનને ઉપકારી ગણવા યોગ્ય છે. જો બાહ્ય ઉપચરિત સાધનના નિમિત્તે અંતરમાં જાગૃતિ ન આવે તો, બાહ્ય સાધનને સાધનનો ઉપચાર પણ (લાગુ પડતો) નથી. પરંતુ તે આડંબર થઈ પડે છે.
(૧૩૯૪)
જીવ આત્મકલ્યાણનો નિશ્ચય / નિર્ધાર કરે તો તુરત જ પાત્રતા સહજ માત્રમાં પ્રગટે. શુદ્ધ પરિણમવાના અનંત સામર્થ્ય સ્વભાવ સ્વરૂપની પ્રતીતિ કરાવતું આ વિલક્ષણ’ અનુભવથી સમજવા યોગ્ય છે. આ અનંત સામર્થ્યરૂપ સ્વભાવનો પ્રભાવ છે; કે આ પ્રકારે સહજ માત્રમાં પાત્રતા પ્રગટે છે. જેના આધારે જીવને ઉપર ઉપરની દશા સહજ પ્રગટે છે. (૧૩૯૫)
જ્યાં સુધી તત્ત્વ-અભ્યાસમાં ઉપર ઉપરથી પ્રશ્ન / જિજ્ઞાસા હોય છે. ત્યાં સુધી પ્રયોજન ઉપર લક્ષ હોતું નથી. તેથી પ્રાપ્ત સમાધાન કાર્યકારી થતું નથી. વા પ્રયોજનના તીક્ષ્ણ દૃષ્ટિકોણ વિના તત્ત્વના ઊંડાણમાં જવાતું નથી. ત્યાં સમાધાન પણ ઉપર ઉપર જ રહે, તેનો તે જ પ્રશ્ન રહ્યા કરે.
(૧૩૯૬)
પરોક્ષ જ્ઞાનીપુરુષના ઉપદેશને પ્રત્યક્ષ તુલ્ય જાણી અંગીકાર કરવા યોગ્ય છે. પરંતુ તેથી પ્રત્યક્ષ જ્ઞાનીપુરુષનો નિષેધ આવે, તે યોગ્ય નથી. ઉપદેશ ગ્રહણ કરવા અર્થે પરોક્ષ જ્ઞાનીને પ્રત્યક્ષવત્ સ્વીકારવામાં લાભ છે, હાનિ નથી. તેમને પ્રત્યક્ષ ગણી ભક્તિ કરવામાં પણ હાનિ નથી. પરંતુ તેવા પ્રકારમાં જો યથાર્થતા હોતી નથી, તો પ્રત્યક્ષ જ્ઞાનીનો અસ્વીકાર થઈ, વિરોધ આવે છે, તે મોટો વિપર્યાસ છે.
(૧૩૯૭)