________________
29
(૮) અંતર ખોજ :
ઉપરોક્ત પ્રકારના નિર્મળ પરિણામોની સાથે-સાથે આત્મરુચિ તીવ્ર થતી જાય છે. સ્વરૂપ પ્રાપ્તિની તીવ્ર જિજ્ઞાસાવશ ઉત્પન્ન વૈરાગ્ય એક નવા તબક્કામાં પ્રવેશ કરે છે. નિજ પરમાત્મસ્વરૂપની અંતર ખોજમાં આ આત્મા એટલો બધો ખોવાયેલો રહે છે કે બહારના વ્યવહારમાં તથા ખાવા-પીવા ઇત્યાદિ નિત્યક્રમમાં ખ્યાલ પણ રહેતો નથી. વૈરાગ્યને કારણે ઉદાસીનતા એટલી બધી આવી ગઈ છે કે જમતી વખતે શું જમે છે ? તેનો ખ્યાલ નથી રહેતો. જમવામાં કઈ વસ્તુ પૂરી થઈ ગઈ છે ? તેનો પણ ખ્યાલ નથી રહેતો. પહેરવશ અને બીજી રહેણી-કરણીમાં એટલી બધી સાદાઈ આવી ગઈ છે કે ઘરના લોકોને એવી દહેશત થાય છે કે આ જૈન ધર્મની દીક્ષા લઈ લેશે કે શું ? અહો ! ધન્ય છે તે ઉદાસીનતાને !
આત્મ સાધના કરવા નીકળેલા આવા આત્માને સંસારમાં શું રુચે ? જેમ હંસને મોતીના ચારામાં જ રસ હોય છે તેમ આવા સાધક આત્માને નિજ સ્વરૂપ સિવાય બીજે ક્યાંય રસ નથી આવતો. સુખની સહેલી અને અધ્યાત્મની જનેતા જ્યાં છે ત્યાં સત્ય સુખ અને આત્માનુભવ કેટલા દિવસ દૂર રહી શકે ? અર્થાત્ એ તો હવે પ્રગટ થવાના જ છે.
(૯) સ્વરૂપ નિશ્ચય :
અહો ! જેના આધારે અનંત કાળનું સુખ પ્રાપ્ત થવાનું છે, જેના આધારે અનંત કાળથી ચાલી આવતી જન્મ-મરણની શૃંખલા તૂટવાની છે, જેના આધારે અતૃપ્ત આત્મા પરિતૃપ્તતાને પામવાનો છે એવા નિજ સ્વરૂપ પ્રાપ્તિની તીવ્ર જિજ્ઞાસાવશ ઉત્પન્ન વૈરાગ્ય તથા ઉદાસીનતાથી આ આસન્ન ભવ્ય જીવના જ્ઞાનમાં નિર્મળતા વધતી જાય છે. જ્ઞાનમાં સ્વભાવ તથા વિભાવ જાતિની પરખ કરવાની ક્ષમતા પ્રગટ થઈ છે. સર્વ પ્રકારના વિભાવભાવ આકુળતારૂપ, મલિનતારૂપ અને વિપરીત સ્વરૂપે ભાસે છે. ચાલતા જ્ઞાન સાથે વિભાવભાવની વારંવાર મીંઢવણી ચાલે છે અને આ પ્રકારે મીંઢવણી ચાલતાં જ્ઞાન તદ્દન અનાકૂળ, પવિત્ર અને અવિપરીત સ્વભાવે ભાસે છે. આમ અંતર ખોજ સાથે ચાલતા અવલોકનથી જાતિની પરખ આવવી શરૂ થાય છે. ત્યાં તો, કૃ. દેવ શ્રીમદ્ રાજચંદ્રજીના સાતિશય વચન યોગને ઉજમાળ કરતો એ ધન્ય દિવસ આવી પહોંચ્યો ! કે જે દિવસે નિજ પરમાત્માનો અંતરંગમાં સ્પષ્ટપણે પત્તો લાગી ગયો. ચાલતા જ્ઞાનના પર્યાયમાં જ્ઞાન સામાન્ય / વેદનના આધારે અખંડ એકરૂપ અનંત જ્ઞાન અને અનંત સુખના સામર્થ્યરૂપ સહજ સ્વરૂપનું ભાવભાસન આવ્યું. લૌકિક સમુદ્રને તો તળિયું હોય છે પરંતુ આ તળિયા વગરના નિજ સુખ સમુદ્રને જોતાં અને અનંત ગુણ રત્નોની નિધિને જોતાં પુરુષાર્થે ઉછાળો માર્યો. નિજ સિદ્ધપદનું સાક્ષાત્ અસ્તિત્વ ગ્રહણ થવાથી નિજ સ્વરૂપનો અપૂર્વ મહિમા ચાલુ થઈ ગયો અને ગુણ નિધાનની અનન્ય રુચિનો ઉછાળો સ્વરૂપ સન્મુખતાના