________________
અનુભવ સંજીવની
૩૧૯ પ્રત્યક્ષ ધર્માત્માની ઓળખાણ થતાં, મુમુક્ષુજીવને પરમેશ્વરબુદ્ધિએ પરમ ભક્તિ પ્રગટે છે, સર્વસ્વના દાતાર પ્રત્યે પરમ પ્રેમાર્પણ ભાવ ઉલ્લસે છે. તેથી સ્વચ્છંદ અને માનાદિ શત્રુ – મહાદોષ મટી નમ્રતા ઉત્પન્ન થાય છે, સર્વાર્પણબુદ્ધિ થવાથી, તન-ધનાદિની આસક્તિનો પ્રતિબંધ ટળે છે, અને વેરાગ્યમય પરિણામ થતાં લોભની ચીકાશ મટે છે. ભક્તિ એ નિજહિતની ગરજરૂપ પાત્રતા હોવાથી, સત્સંગરૂપી વૃક્ષની ઉપાસના કરવા માટે આવશ્યક સરળતા સહિતપણે સેવન થઈ, અમૃતફળ નિપજાવે છે. તેથી ૫. કુ. દેવે મુમુક્ષુ માટે વ્યક્તિને “શ્રેષ્ઠ માર્ગ કહ્યો છે, અર્થાત્ સરળ સુગમ કહી પરમ ઉપકાર કર્યો છે. મુમુક્ષુની ભૂમિકામાં ભક્તિ દ્વારા ભીંજાયેલા પરિણામો ભાવનાવૃદ્ધિ કરી અનેક દોષની નિવૃત્તિ કારક છે. જ્ઞાન તો બહુમૂલ્ય ગણાય છે, તથાપિ ભક્તિ વિના તે શુન્ય છે.
(૧૧૫).
મુમુક્ષજીવે સત્સંગ – જ્ઞાનગોષ્ટિ આદિ જ્ઞાની પુરુષની આજ્ઞાનુસાર કર્તવ્ય છે. એટલે કે પ્રથમ પૂર્ણતાનું લક્ષ' કર્તવ્ય છે. તદર્થે સર્વ વિચારણા કર્તવ્ય છે. અન્યથા ક્રમભંગ થઈ જવાથી, નુકસાન થવાની પૂરી સંભાવના છે. ઉક્ત લક્ષ્યાર્થે ભક્તિ, સ્વચ્છંદ નિરોધ, સરળતા, વેરાગ્ય, નિજદોષોનું જોવું વગેરે હોવા યોગ્ય છે. આ માર્ગ પરમ વિનય વિવેકથી પ્રાપ્ય છે, તે વિસ્મરણ થવા યોગ્ય નથી. ઉપરોક્ત ક્રમને અનુસરીને અપૂર્વ જિજ્ઞાસાપૂર્વક પદાર્થ નિર્ણયના હેતુથી જ્ઞાનાભ્યાસ ન હોય તો અન્યથા અભિપ્રાયપૂર્વકની પ્રવૃત્તિ અહિતકારક થઈ પડે છે.
(૧૧૫૮)
અંતરંગ ત્યાગ રાગના મમત્વનો થવો ઘટે છે. તેવી શ્રી જિનદેવની આજ્ઞા છે. આત્મસ્વરૂપ પરમ પવિત્ર છે. તેની દશામાં મલિન એવો રાગ છે, તેનું જીવ મમત્વ રાખે અને પરપદાર્થના ત્યાગ દ્વારા શુદ્ધિ પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરે તો તેમાં સફળતા કેમ થાય ? રાગનો અભાવ પણ, રાગના મમત્વના ત્યાગ વિના થઈ શકતો નથી. તેથી ભેદજ્ઞાન દ્વારા પ્રથમ રાગનું મમત્વ છોડાવ્યું છે. જેથી રાગ અને રાગના વિષયો સહજ છૂટે. પ્રથમ રાગ અને જ્ઞાન વચ્ચે ભેદજ્ઞાન ફરમાવવાનું રહસ્ય આ છે. પ્રથમ અધ્યાસનો ત્યાગ થવો ઘટે.
(૧૧૫૯)
જ્યાં સુખ લાગે – ભાસે ત્યાં જીવના પરિણામ સહજ ખેંચાય છે. - આ પરિણમનની વાસ્તવિકતા છે. તેથી આત્મ-સુખના અભિલાષી જીવે, “જ્ઞાનમાત્રમાં સુખનું ભાન થવા અર્થે અંતર શોધ કરવી ઘટે. તે અંતરશોધ માત્ર ભેદજ્ઞાનના પ્રયોગથી જ થાય છે. અને “જ્ઞાનમાત્ર પોતે સુખરૂપે પ્રયોગના અભ્યાસથી ભાસ્યમાન થાય છે, ત્યારથી પરિણામોની દિશા બદલે છે. સુખાભાસ મટી યથાર્થ ઉદાસીનતા થાય.
(૧૧૬૦)