________________
૩૧૮
અનુભવ સંજીવની
ઉપાદેયભૂત આત્મસ્વરૂપ જ્ઞાન લક્ષણ દ્વારા લક્ષિત થતાં, વીર્ષોલ્લાસ થઈ, અંતર અવલંબન વડે ઉપયોગાત્મક થતાં સ્વસંવેદન ઉપજે છે. જ્ઞાનદશામાં પરિવર્તન પામતી આ પ્રક્રિયા છે. સ્વસંવેદનનો ઉક્ત પ્રકારે આવિર્ભાવ થતાં સમકાળે સમ્યક્દર્શન અને સ્વરૂપાનંદ – સ્વરૂપ સ્થિરતા (સમ્યક્ ચારિત્ર) પ્રગટ થાય છે અને મિથ્યાત્વ તથા અજ્ઞાન અંધકાર નાશ પામે છે. ત્યારથી શ્રદ્ધાબળ વડે મોક્ષમાર્ગમાં ધર્માત્મા આગળ વધે છે.
(૧૧૫૩)
*
અનાદિ સંસાર દશામાં જીવનો શ્રદ્ધાગુણ વિપરીત શ્રદ્ધારૂપે પરિણમી રહ્યો છે. તેથી તેવું પરિણમન સ્વરૂપને શ્રદ્ધવા અસમર્થ છે. તેથી જ્ઞાનીપુરુષોએ અજ્ઞાનની નિવૃત્તિ અર્થે, સમ્યક્ દશા થવા અર્થે, પ્રગટ સ્વભાવ – સકળ શેયોમાં વર્તતા જ્ઞાન વિશેષમાં –સાધારણ એક સંવેદન પરિણામરૂપ સ્વભાવ, – દર્શાવીને પરમ ઉપકાર કર્યો છે. જે આત્માર્થી જીવ ‘જ્ઞાનમાત્ર’ એવા સ્વયંની સ્વસંવેદન વડે પ્રાપ્તિ કરે છે તેને શ્રીગુરુનો ઉપકાર કેવો અનુપમ અને અતુલ છે, તે (અનુભવ)ગમ્ય થાય છે. ગુરુગમદ્વારા અજ્ઞાન અંધકારમાંથી પ્રકાશમાં સહજ માત્રમાં જીવ આવે છે, સ્વયં સુખસાગરમાં નિમગ્ન થઈ, સંસાર સમુદ્રને તરી, અલ્પ સમયમાં અપૂર્વ સિદ્ધિરૂપ પરમ પવિત્ર દશાને પ્રાપ્ત થાય છે.
(૧૧૫૪)
/ ‘સર્વાંગ સમાધાન સ્વરૂપ ત્રિકાળી ચૈતન્ય દ્રવ્ય હું પ્રત્યક્ષ હયાત છું’– તેવી દ્રવ્યદૃષ્ટિ થતાં, દ્રવ્ય (ધ્રુવ) નિરપેક્ષ પર્યાયની સ્વતંત્રતા / યોગ્યતા, પર્યાયના ષટ્કારકો; પર્યાયનો સ્વકાળ/ ક્રમબદ્ધતા આદિ ‘ભાવો’ યથાર્થ સમજમાં આવે છે. તેથી દ્રવ્યદૃષ્ટિની અપેક્ષા વગર તે વિષયની ચર્ચા નિરર્થક છે. અને અકર્તવ્ય છે. દ્રવ્યદૃષ્ટિથી દ્રવ્યની અત્યંત ઉપાદેયબુદ્ધિ – અપેક્ષાબુદ્ધિ પ્રાપ્ત થાય છે, અને પર્યાયની ઉપેક્ષાબુદ્ધિ થતાં, પર્યાયમાં ફેરફારની બુદ્ધિ છૂટી જાય છે. સાથે જ આત્મભાવે વર્તતી યોગ્યતા પ્રતિ સમય વૃદ્ધિગત થઈ પૂર્ણ થઈ અભેદ થઈ જશે તેની નિઃશંકતા પણ વર્તે છે. તેથી ઉક્ત ‘ભાવો’ સંબંધી અસમાધાન રહેતું નથી કારણકે અશુદ્ધત્વ અંશમાં પોતાની કલ્પના થતી નથી. તેમજ તે અંશ પ્રત્યક્ષ ક્ષીણતાને પ્રાપ્ત થતો જણાય છે.
(૧૧૫૫)
હે જીવ! ત્રિલોકનાથ જૈનપરમેશ્વરની પ્રદત્ત નિધિ હાથ લાગી છે, જેનાથી શાશ્વત કલ્યાણનો ઉપાય સહજમાત્રમાં પ્રાપ્ત થઈ, અત્યારે જ પરમશાંતિનો અનુભવ થાય તેમ છે. તો પછી ક્યા કારણથી તેની ઉપેક્ષા થાય ? ઉપેક્ષા કરાય ?
સર્વ ઉદ્યમથી જિનાજ્ઞા ઉપાસનીય છે. સ્વયંપ્રભુ આનંદઘન છે, નિર્વિકલ્પ આનંદધન છું. સહજ બેહદ પ્રત્યક્ષ, અત્યંત પ્રત્યક્ષ છું. તેવો હું સ્વસંવેદન ગોચર છું. અગાધ અમૃતસાગરમાં નિમગ્ન છું. કેવળ અંતઃતત્ત્વ હોવાથી સંપૂર્ણ અંતર્મુખ છું. પરિપૂર્ણ હોવાથી સર્વથા નિરાલંબ નિરપેક્ષ છું.
(૧૧૫૬)