________________
અનુભવ સંજીવની
૩૧૭ જુઓ કુદરતની રચના ! કુદરતની લીલા ! વાણી સ્વયં રચાય જાય છે ! અને મહાન પરમાગમોની રચના થઈ જાય છે ! જેનાથી અન્ય સુપાત્ર જીવો સન્માર્ગે ચડી જાય છે. સ્વાનુભૂતિમાંથી ભંગ પડતાં, જે બાહ્ય પ્રવૃત્તિ થઈ, તેથી પણ મહા પરમાગમ જેવું ઉમદા ફળ, જેમના નિમિત્તે નિપજ્યું, તેમની આરાધના અચિંત્ય અને અલૌકિક, મહા આશ્ચર્યકારી પરમોત્કૃષ્ટ જ હોય ને ?
(૧૧૪૯)
નિરાકુળ જ્ઞાનવેદન દ્વારા ભગવાન આત્મા સ્વયં પ્રત્યક્ષ છે, પરમ પવિત્ર છે, તેને ગૌણ કરીને (અનાદર કરીને) અપવિત્ર અને અશાંત ભાવમાં રહેવું તે સર્વાધિક અવિવેક અને અપરાધ છે. બાહ્ય ભાવમાં એકાંતે રસ / જાગૃતિ હોવી તે સ્વભાવના અરસપણાનું દ્યોતક છે, તે નિશ્ચય સ્વચ્છેદ' છે. જેથી અંધત્વને પ્રાપ્ત જીવને બાહ્યવૃત્તિમાં આકુળતા હોવા છતાં, તેમાં દુઃખ લાગતું નથી, પ્રત્યક્ષ વિષરૂપ પરિણામોનો ભય લાગતો નથી, અનંત જન્મ-મરણના ભયંકર પરિભ્રમણનો ડર સતાવતો નથી. ધ્રુવ અચલિત સ્વરૂપનો વ્યાપ્ય વ્યાપકપણે આશ્રય લેવો, તે એકમાત્ર ઉપાય છે, તે સિવાય વિસ્તાર નથી. સ્વયંનું મૂળ સ્વરૂપ જ પરિણામોનું વિશ્રામધામ છે. (૧૧૫૦)
જૂન – ૧૯૯૩ જીવ અનાદિથી પરિણામમાં અસ્તિત્વનો અનુભવ કરી રહ્યો છે, દુઃખી પણ છે, દોષિત પણ છે, તેથી તેની પર્યાય પ્રધાનતાની ભાષા–શૈલીથી ઉપદેશબોધ પ્રવર્યો છે. પરિણામને આમ કરો, તેમ ન કરો-વગેરે –પ્રકારથી આદેશ હોવા છતાં, પર્યાયના એકત્વ – કતૃત્વને સ્થાપવાનો જ્ઞાનીનો આશય નથી–તેવી અપેક્ષાથી વચનો છે; “વાસ્તવમાં ધ્રુવ આત્મા સ્વયં અક્રિય ચિબિંબ પરિણામોમાં કાંઈ કરી શકતો નથી, તેવી અચલિત શ્રદ્ધાપૂર્વક તે ઉપદેશ પ્રવર્યો છે. ધ્રુવની એકતા સાબિત જ્ઞાનમાં પરિણામ સ્વયં પરિણમતા અનુભવાય છે, સાથે સાથે વર્તમાન શુદ્ધિ-અશુદ્ધિનું યથાર્થ જ્ઞાન ? થઈ, શુદ્ધિની ભાવિ પૂર્ણતાની નિઃશંકતા, જ્ઞાનીને આવે છે.
(૧૧૫૧)
વર્તમાન વર્તતા એક સમયમાં હું પરિપૂર્ણ અખંડ ધ્રુવ ચૈતન્ય છું' – તેવા સ્વરૂપાનુભવ વડે જ્ઞાનવેદનનો ઉદય–આવિર્ભાવ છે. જે જ્ઞાનવેદન રાગથી ભેદ કરતું થયું નિઃશંકિત અને નિરાકુળ સુખ સાથે પ્રત્યક્ષ પ્રમાણરૂપ પ્રગટ થઈ રહ્યું છે અને ક્રમશઃ વૃદ્ધિગત થતું થયું પૂર્ણ થઈ જશે. આ આત્માને જગતમાં કોઈથી કાંઈ લાભ-નુકસાન નથી – આ ન્યાય બાહ્ય જતી વૃત્તિ પર તીરની જેમ અસર કરે, તથારૂપ જાગૃતિ રહે, તો પરસન્મુખતા છૂટે. આ આત્માથી શૂન્ય એવું જગત પૂર્ણરુપેણ ઉપેક્ષા યોગ્ય છે. તેના તરફની વૃત્તિ સ્વાનુભૂતિમાં વિન કરનારી છે, સ્વરૂપ શાંતિનો કાળ છે - તેમ જાણી હે ! જીવ સ્વરૂપસ્થ થા !!