________________
૩૦૨
અનુભવ સંજીવની અનંત સામર્થ્યને અવલંબતા – નિષ્પન્ન શુદ્ધ કાર્ય સહિત – સ્વરૂપ પરિણમન શક્તિ. અનન્ય કારણપણે વર્તતી કાર્યની સંધિ સહિત જોઈ છે. જે તથારૂપ પરિણામ યોગ્યતામાં રહી / પ્રવેશી અવગાહન કરવા યોગ્ય છે. તે પહેલાં પરલક્ષી વિચારમાં તેની કલ્પના થવા સંભવ છે. આવા ગંભીર વિષયને અધીરજથી અપરિપકવ દશાએ સમજવા જતાં કલ્પિત નિશ્ચય થાય છે, જેથી દૂર રહેવું ઘટે.
(૧૦૯૩)
ઉપાધિમય ઉપયોગ, જ્ઞાન સામાન્યને તિરોભૂત કરે છે, તેથી જ શ્રી જિનેશ્વરદેવે વૈરાગ્ય અને ઉદાસીનતા ઉપદેશી છે. નિરૂપાધિ જ્ઞાન જ જ્ઞાનવેદનરૂપ જ્ઞાન સામાન્ય પ્રતિ વળવા સક્ષમ છે. તેથી સર્વ અન્ય દ્રવ્ય-ભાવથી પોતાનું અસંગપણું અવલોકી ઉપાધિ રહિત થઈ, અવ્યાબાધ અનુભવરૂપ એવા પોતાને પ્રત્યક્ષ કરવો, તેમાં સર્વ જ્ઞાન સમાય છે. દ્વાદશાંગીના વિસ્તારનો સાર આ છે. કેવળ અસંગ અને અનંત પ્રત્યક્ષની પ્રતીતિમાં સમ્યકદર્શન સમાય છે. સ્વરૂપાકાર વીતરાગી દશામાં સર્વ ચારિત્ર સમાય છે. તેવી દશા જેણે પ્રાપ્ત કરી, તે ભગવાનરૂપ પુરુષને નમસ્કાર.
(૧૦૯૪)
જે માર્ગે ચાલી જ્ઞાનદશાને પામ્યા, તેવા જ્ઞાનીના માર્ગે ચાલવાનો જીવન નિશ્ચય થાય તો તે યોગ્યતાનું સાચું અને ઘણું સારું લક્ષણ છે. પ્રાયઃ અનેક શાસ્ત્રો વાંચ્યા પછી પણ આવો નિશ્ચય કોઈ વિરલ જીવને થાય છે. જે જીવને આવો નિશ્ચય થાય છે તે જીવ અવશ્ય તરી જાય છે. –શ્રી સોભાગભાઈને જ્ઞાનીના માર્ગ પ્રત્યેનો નિશ્ચય અદ્ભુત હતો.’ – તેમ કૃપાળુ દેવના જ્ઞાનમાં હતું. (પત્રાંક ૭૮૩) અને તેથી તેઓની પ્રસન્નતા / કૃપા શ્રી સોભાગભાઈ પ્રત્યે હતી. આ કારણથી તેમનામાં મુમુક્ષુતાના અદ્ભુત ગુણો પ્રગટ્યા હતા, આ કારણથી જ કૃપાળુદેવનો પારમાર્થિક બોધ તેઓ ઝીલી શક્યા હતા. આત્માર્થીએ મુખ્ય કરીને આ વાત લક્ષ ઉપર લેવા યોગ્ય છે.
(૧૦૯૫)
/ સત્પુરુષના ચરણમાં નિવાસ તે પરમ સત્સંગ છે. તેના જેવું હિતકારી સાધન જગતમાં કોઈ નથી. સત્પુરુષ એટલે મૂર્તિમાન મોક્ષ. – એવું ભાસે તેને ખરી ઓળખાણ થઈ છે. અન્યથા ઓઘસંજ્ઞાએ સન્દુરુષની માન્યતા છે, ખરી ઓળખાણ થયે, વગર સમજાવ્યું પણ જીવને સ્વરૂપ સ્થિતિ થવી સંભવે છે. – તે સત્સંગનો અદ્ભુત અને અલૌકિક ચમત્કાર છે. તેવું દર્શાવવાના આશય / હેતુ થી જ સર્વ જિનાગમમાં ઠામ ઠામ સત્સંગનો મહિમા ગાયો છે. જીવે વિવેકપૂર્વક સત્સંગને, સર્વ પ્રસંગને ગૌણ કરી, આરાધવા યોગ્ય છે.
(૧૦૯૬)