________________
અનુભવ સંજીવની
૨૭૧
જ્ઞાનદશામાં પોતાનું બેહદ સામર્થ્યની પ્રતીત વર્તતી હોવાથી, દીનતાનો નાશ થઈ જાય છે, તેથી સન્માર્ગના પ્રારંભથી જ અયાચકપણું રહે છે. તેમજ પરિપૂર્ણ સ્વરૂપના અવલંબને ઉત્પન્ન વૈરાગ્ય પણ (જ્ઞાનીને) યાચનાવૃત્તિમાં આવવા દે નહિ. જ્ઞાની અલ્પ રાગ હોય ત્યાં સુધી પ્રારબ્ધ કર્મની નિર્જરા અર્થે પ્રવૃત્તિમાં હોય છે, મમત્વને લીધે નહિ. તેમ સમજવા યોગ્ય છે. (૯૭૭)
સત્પુરુષને સંસારના સંયોગો સાથે આત્મિક બંધનથી સંબંધ નથી, અર્થાત્ દેહની અનુકૂળતા અર્થે, ધનાદિ પદાર્થની પ્રાપ્તિને અર્થે, પ્રાપ્ત સામગ્રીના ભોગને અર્થે, લૌકિક કોઈપણ પ્રકારના સુખને અર્થે કે કોઈપણ પ્રકારના સ્વાર્થને અર્થે તેઓ સંસારમાં રહેતા નથી. એવું જે તેમનું અંતરંગ, તેનો ભેદ (રહસ્ય) કોઈ નિકટ મોક્ષગામી જીવ જ સમજી શકે છે. અન્ય નહિ. એટલે કે સત્પુરુષનું અંતરંગ સમજનારને મોક્ષ નિકટપણે અવશ્ય વર્તે છે, તે નિઃસંદેહ છે.
(૯૭૮)
(પ્રશ્ન :– ભેદજ્ઞાનનો પ્રયોગ રાગથી ભિન્નતા દ્વારા શા કારણથી ? પરદ્રવ્યથી ભિન્નતા દ્વારા કેમ નહિ ?
ઉત્તર ઃ- ૧ પરદ્રવ્યથી અભિન્નતા રાગવડે જ થાય છે, જેથી રાગથી ભિન્નપણું થતાં, પરદ્રવ્યથી સહજ ભિન્નતા થઈ જાય છે.
-
૨ પ્રયોગ વર્તમાનમાં પ્રવૃત્તિ કાળે જ થઈ શકે. જ્ઞાન અને રાગ નિરંતર હોવાથી નિરંતર પ્રયોગ થઈ શકે છે. પરદ્રવ્યની પ્રવૃત્તિ નિરંતર સંભવતી નથી. તેમજ બાહ્ય ત્યાગથી ભેદજ્ઞાનની ઉત્પત્તિ પણ થતી નથી.
૩ – તીવ્ર મુમુક્ષુતારૂપ મોક્ષાર્થી જીવ જ ભેદજ્ઞાનનો પ્રયોગ કરી શકે છે. તેવા જીવને પરદ્રવ્ય (વિષયો) અને દેહાદિમાં તીવ્ર આસક્તિના પરિણામ હોતાં નથી. આત્મરુચિ હોવાથી ઉપયોગ સૂક્ષ્મ થયો હોય છે. તેથી અંતરમાં જ્ઞાન સામાન્યના વેદનને ગ્રહણ કરવાની યોગ્યતા વડે ‘આ અનુભૂતિ છે, તે જ હું છું' એવો ભેદજ્ઞાનનો રાગથી, સૂક્ષ્મ રાગથી પણ ભિન્નતાનો પ્રયોગ કરી શકે
છે. જે સ્વાનુભવનું કારણ છે. આ વિધિનો ક્રમ છે.
-
(૯૭૯)
જ્ઞાન-વેદનથી જ્યાં સ્વપણે જ્ઞાન અનુભવાય ત્યાં જ શ્રદ્ધા દ્વારા સ્વરૂપનો આશ્રય થઈ જાય છે. સ્વરૂપની ઓળખાણપૂર્વકનો મહિમા વર્તતો હોય, ત્યાં આ પ્રકારે જ્ઞાન-શ્રદ્ધાન થવું સહજ જ
છે.
સ્વરૂપ-નિશ્ચયપૂર્વકના સહજ પુરુષાર્થમાં ઉક્ત પ્રકારે શ્રદ્ધા-જ્ઞાનમાં એક સાથે સ્વ-આશ્રય થઈ જાય છે. મોક્ષાર્થી જીવ, મોક્ષમાર્ગને આ વિધિએ પ્રાપ્ત કરે છે.
(૯૮૦)