________________
અનુભવ સંજીવની
૨૬૭ પરિણામને બે જ દિશા છે. એક અંતર્મુખ – બીજી બહિર્મુખ મિથ્યાત્વને લીધે બહિર્મુખ ભાવમાં પણ લાભ મનાય છે, જેથી બહિર્મુખ વલણ રહ્યાં કરે છે. બાહ્ય સાધનમાં ઉપયોગની પ્રવૃત્તિને લીધે અંતર્મુખ થવાની દિશા સૂઝતી નથી. શાતા અને સ્પર્શાદિ વિષયોનો અનુભવ મિથ્યા હોવા છતાં, તેમાં વાસ્તવિકતા લાગે છે. તેથી અંતરંગમાં જ્ઞાનાનુભૂતિ પ્રત્યે વળવાનો અવસર આવતો નથી. બાહ્ય સાધન પ્રત્યેના પરિણામની દિશા બદલવા, અંતર્લક્ષ થવું ઘટે, અને બહિર્મુખ ભાવોમાં ઉપેક્ષા થવી ઘટે. અંતરંગમાં સૂક્ષ્મ અનુભવદષ્ટિથી જ્ઞાનવેદનમાં વેદ્ય-વેદકભાવે દિશા બદલાય તો દશા બદલાય અને “દિશાભ્રમ મટે.
(૯૬૧)
સ્વરૂપની તીવ્ર ભાવના સ્વરૂપ બોધનું કારણ છે. ભાવના તીવ્ર થવાથી પરિણતિ થઈ જાય છે અને પરિણતિ ઉપયોગને લાવે છે.
નિષ્કપ, ગંભીર, ધ્રુવ સ્વભાવ છે. તેમાં અભેદભાવે, વ્યાપ્યવ્યાપકપણે, એકાકાર થઈ, તન્મય થઈ, ઊંડાઊંડા ઉતરતા, સહજ અનુભૂતિથી સર્વાર્થસિદ્ધિ છે. સ્વભાવનું ખેંચાણ રહેતાં . પર્યાયનું ખેંચાણ બંધ થઈ જાય છે.
(૯૬૨)
જ્ઞાનનો પર્યાય . અભિપ્રાય, અને શ્રદ્ધા અવિનાભાવી છે. તેથી અભિપ્રાય દ્વારા શ્રદ્ધાને પ્રાયઃ સમજવામાં આવે છે. મુમુક્ષુ જીવે જ્ઞાનાભ્યાસ વડે પ્રથમ યથાર્થ અભિપ્રાયનું ઘડતર કરવું ઘટે, જેથી વિપરીત અભિપ્રાય બદલાઈ જાય. શાસ્ત્ર અધ્યયન દ્વારા પોતાના અભિપ્રાયનું પોષણ ન કરવું, પરંતુ શાસ્ત્રકર્તાના અભિપ્રાય અનુસાર પોતાના અભિપ્રાયને કેળવવો; નહિ તો મોટું નુકસાન થાય, અભિપ્રાયની ભૂલ સુધરવાને બદલે દઢ થઈ જાય. તે લક્ષમાં લેવા યોગ્ય છે, કારણકે આવી ભૂલથી જીવ પ્રાયઃ અજાણ રહી જાય છે. અશુભભાવનો દોષ પકડાય છે, પણ અભિપ્રાયનો દોષ પકડાતો નથી.
(૯૬૩)
બુદ્ધિગમ્ય થયા અનુસાર, જીવ ભાવનાપૂર્વક ઉપદેશ ગ્રહણ કરવા, ઉદ્યમ કરે, ત્યાં અનાદિ પર્યાયબુદ્ધિ જો દઢ થાય, તો સમ્યક્દર્શનની સમીપતા પણ ન થાય; ભલે બાહ્યમાં સ્વાધ્યાય આદિ મુમુક્ષુને યોગ્ય પરિણામ હોય . તેથી સહજતા પ્રથમથી જ રહે / હોય, તેવી કાર્યપદ્ધતિ હોવી ઘટે છે. અને તે પૂર્ણતાને લક્ષે જ ઉત્પન્ન થાય છે, તેનો બીજો વિકલ્પ (Alternative) નથી. ‘પૂર્ણતાને લક્ષે ઉત્પન્ન ભાવના, લગની, અવલોકન વગેરે સહજ હોય છે. જે સ્વરૂપ નિશ્વય પર્યત ચાલુ રહે છે. પછી સ્વરૂપ લક્ષે થતાં ભેદજ્ઞાન, સ્વરૂપ – મહિમા, સ્વસમ્મુખનો પુરુષાર્થ સહજ જ હોય છે. જેથી પર્યાયબુદ્ધિનો અભાવ થઈ દ્રવ્યદૃષ્ટિ પ્રગટ થાય છે.
(૯૬૪)