________________
અનુભવ સંજીવની
૨૬૫
સફળ થતી નથી. તેનું શું કારણ ?
સમાધાન : ઉદય પ્રસંગમાં અભેદભાવે પર દ્રવ્ય પ્રત્યે રંજાયમાન પરિણમન રહેવાથી કે કરવાથી ( આ વિપરીત પ્રયોગથી) ભેદજ્ઞાનનો અવિપરીત પ્રયોગ કરવાની શક્તિ હણાઈ જાય છે. તેથી ભેદજ્ઞાનની ઇચ્છા સફળ થતી નથી અને અશાતા વેદનીથી છૂટી શકાતું નથી; અનિવાર્યપણે વેદના ભોગવવી જ પડે છે. (૯૫૩)
મુમુક્ષુની ભૂમિકામાં, પ્રથમ જ સુવિચારણામાં યથાર્થ સમજણપૂર્વક એટલે કે આત્મહિતની મુખ્યતા રાખીને યથાર્થ અભિપ્રાય ઘડવો જોઈએ. તો જ વિપરીત શ્રદ્ધાનું બળ ઘટે.
અભિપ્રાયની યથાર્થતા થયા વિના, વિપરીત અભિનિવેષમાં જીવ વર્તે છે. તેથી સૌ (બાહ્ય) સાધન બંધન થાય છે. તેમજ ધર્મકાર્યોમાં અયોગ્ય વા વિપરીત નિર્ણયો કરાઈ જાય છે. તેથી ધાર્મિક કાર્યોમાં યથાર્થ નિર્ણય થવા અર્થે, યથાર્થ અભિપ્રાય હોવો - તે પાયાનો વિષય છે. અભિપ્રાય વિરૂદ્ધના પરિણામો આત્મહિતની ભાવનાને સફળ થવા દેતા નથી. તેથી આત્મહિતની સફળતા અર્થે, આત્મહિતનો અભિપ્રાય પ્રથમ હોવો ઘટે છે. • આવું લક્ષમાં લીધા વિના ક્રમ વિપર્યાસ પ્રાયઃ થાય છે. (૯૫૪)
જે મહાભાગ્ય આત્માના આનંદ અમૃતના આસ્વાદનો અનુભવ કરે છે, તેવા ધર્મ-જીવનો અભિપ્રાય સહજ સ્વભાવી એવો થઈ જાય છે, કે સર્વ જીવો આવા નિજાનંદને પામો ! તેના કારણને અને કારણના કારણને પણ અનઅવકાશ પણે પ્રાપ્ત થાવ ! શ્રી તીર્થંકરદેવ આ સિદ્ધાંતના સાક્ષાત્ મૂર્તિમંત પુરાવા સ્વરૂપે છે. જિનશાસન આ કારણ વિશેષથી પ્રવર્તિત છે. યદ્યપિ મોક્ષમાર્ગમાં સમસ્ત વ્યવહાર ગૌણ જ છે. તથાપિ બાહ્યાંશ સ્વસ્થાનમાં સહજપણે જેમ હોય તેમ જાણવા યોગ્ય છે.
(૯૫૫)
જ્ઞાનના પરિણમનમાં, અભિપ્રાય પ્રધાન છે. તદ્નુસાર યોગ્યતા સ્વયં કેળવાય છે. આ પ્રક્રિયા સ્વભાવગત છે. દા. ત. ધર્મ પ્રાપ્તિના અભિપ્રાયમાં ધર્મી પ્રત્યે બહુમાન ભક્તિ થવી સહજ છે. તેમ જ અધર્મનો નિષેધ સહજ છે. અભિપ્રાયનો વિપર્યાસ સૌથી મોટો વિપર્યાસ છે તેથી મિથ્યાત્વ મટતું નથી. આગમના અભ્યાસીને પણ ક્યાંક પ્રયોજનભૂત કોઈ ભૂલ થઈ જાય છે, તેનું કારણ મૂળમાં અભિપ્રાયની ભૂલ રહી ગઈ હોય છે. અભિપ્રાય (આત્મહિતનો) થયા વિના, શાસ્ત્રનું ભણતર પ્રાયઃ અભિનિવેષરૂપ હોય છે.
૧. કોઈપણ માણસના અભિપ્રાયને જાણ્યા વિના, તેના શબ્દો કે પ્રવૃત્તિનું ખરું મૂલ્યાંકન થઈ શકે નહિ.