________________
૨૩૯
અનુભવ સંજીવની જેને નિર્દોષ થવું જ છે, તેને સહજ તેમ રહેવાય, તેવું આલંબનની શોધ વર્તે છે. કારણ કે વિકાર પણ સહજ . પરાવલંબનથી થવો અનુભવ ગોચર છે. સની અંતર ખોજમાં સત્પુરુષનાં અનુભવ-વચન અપૂર્વ ઉપકારી થઈ પડે છે. જેથી સત્ ઓળખાઈ સહુના મહિમા વડે દૃષ્ટિ પ્રગટે છે.
(૮૪૯)
ધર્મ પ્રાપ્તિનું ફળ મહાન છે, શાશ્વત કલ્યાણનો માર્ગ છે. તોપણ તે માર્ગ પરમ ગંભીર છે. યદ્યપિ જ્ઞાનમાર્ગ દુરારાધ્ય છે, તોપણ તે વિના વિસ્તાર નથી. જો કે જ્ઞાનદાતા એવા પુરુષની કાળે આ પરમ દુર્લભતા છે. છતાં પુણ્યયોગે, શ્રીગુરુએ માર્ગ પ્રકાશ્યો છે, અને માર્ગના રહસ્યો ખુલ્લાં મૂક્યા છે. જેનું ગ્રહણ થવા અર્થે તથારૂપ પાત્રતા અપેક્ષિત છે, કારણ કે અમૂલ્ય એવા સિદ્ધાંત જ્ઞાનનો આ વેપાર છે. જેમાં પ્રયોજન સંધાય જાય તો જીવ તરી જાય તેવું છે. નહિ તો પ્રયોજનભૂત વિષયમાં, મતિદોષને લીધે, યથાયોગ્ય પાત્રતા નહિ હોવાથી, વિપર્યાસ થતાં, ગૃહિત મિથ્યાત્વમાં જીવ આવી જાય છે. તેથી પરમ તત્ત્વ નિજપદના વિષયમાં અને સ્વરૂપ પ્રાપ્તિના – સાધનના – વિષયમાં, કયાંય પણ કલ્પના નહિ કરતાં, જિજ્ઞાસુ રહેવું તે વધુ સારું છે. જ્ઞાનીની આજ્ઞાએ, સ્વચ્છંદ નિરોધપણે, મોક્ષાભિલાષીએ, પૂરી સાવધાની, સરળતા અને ધીરજથી આગળ વધવા જેવું છે. અગંભીરતા, અધીરજ, અસરળતા, નુકસાનકારક છે.
(૮૫૦)
મુમુક્ષજીવને આત્મહિતના / પરમાર્થના માર્ગે ચડવાનો એક જ રસ્તો છે. ત્યાં પડવાના કે ગોથું ખાવાના અનેક ઠેકાણાં છે. તેવી સ્થિતિમાં, શ્રીગુરુએ કરુણા કરી મહા સિદ્ધાંતનું પ્રદાન કર્યું છે. “પૂર્ણતાના લક્ષે શરૂઆત” કરવા આજ્ઞા કરી છે.
આ વાસ્તવિકતાનું ઉલ્લંઘન કરી કોઈ જીવ પરમાર્થમાં આગળ વધી શકે નહિ, એટલું જ નહિ આ માર્ગદર્શન મુમુક્ષુની સર્વ સમસ્યા અને વિટંબનાનો ઉકેલ લાવવા સમર્થ અને પર્યાપ્ત છે. પૂર્ણતા' ના ધ્યેયે / લક્ષે શરૂઆત કરનાર સુરક્ષિત થઈ જાય છે. અર્થાત્ ધ્યેય વિરુદ્ધ ભાવમાં જાગૃતિ આવી જવાથી, પાછું વળી જવાય છે.
જેનું સાધ્ય સાચું, તેનું સાધન સાચું – એ ન્યાયે પૂર્ણતાનું ધ્યેય સર્વાગ શ્રેષ્ઠ હોવાને લીધે, તેનું સાધન પણ તદ્ અનુસાર અને તદ્ અનુરૂપ ઉત્પન્ન હોય છે. તેને જ સમ્યકત્વ કહ્યું છે.
(૮૫૧)
સર્વ શાસ્ત્રોને વિષે પ્રત્યક્ષ સદ્ગુરુ-યોગનું મહત્વ ગાયું છે, તે અનુભવપૂર્ણ હકીકતની પ્રસિદ્ધિ છે. મુમુક્ષજીવને પરમાર્થ પ્રાપ્તિ માટે તે પરમ આધાર છે, તે વિષયમાં પરમ કૃપાળુ દેવનું નીચેનું વચનામૃત ઘણું માર્મિક છે.