________________
૨૩૬
અનુભવ સંજીવની
અનુમાન થવા યોગ્ય છે. પરંતુ પ્રત્યક્ષ વસ્તુ માટે તેમ થવું આવશ્યક નથી. તેથી માત્ર વિચાર કરનાર' ઘણો ગમે તેટલો વિચાર કરે, તોપણ સ્વરૂપ-ગ્રહણ થતું નથી. પરંતુ પ્રત્યક્ષ અંશ દ્વારા તે રૂપ થઈને / તન્મય થઈને વ્યાપ્ય-વ્યાપક ભાવે, પ્રસરવાથી અનુભવ સંપ્રાપ્ત થાય છે.
(૮૪૦)
-
અંતરમાં, અનંત પુરુષાર્થના સામર્થ્યરૂપ ખાણનો પત્તો લાગવાથી, (પોતાપણે જણાતાં જ) તેનું અવલંબન લેવાઈ જાય છે. તેમાં અંતર્મુખી પુરુષાર્થનું પરિણમન શરૂ થઈ જાય છે. તેથી ત્યાં પુરુષાર્થને ‘કરવાની’ આકુળતા અને સમસ્યા થતી નથી– રહેતી નથી—તેથી જ્ઞાની પુરુષોએ, અનંત સામર્થ્ય – સ્વરૂપને ઓળખવા માટે દેશના આપી છે, અને કૃત્રિમ પુરુષાર્થનો નિષેધ કર્યો છે. સ્વરૂપના અનંત સામર્થ્યની દૃષ્ટિમાં, પર તરફના આંશિક પરિણામોનું જોર રહેતું નથી – તૂટી જાય છે, અને જે સહજ પુરુષાર્થ વર્તે છે, તે પણ એક સમયની પર્યાય હોવાથી, તેની પણ ગૌણતા જ રહે છે. પર્યાય માત્રની ગૌણતા, દ્રવ્યદૃષ્ટિ થવાથી થઈ જાય છે. પર્યાયનું એકત્વ જ મિથ્યાત્વ મૂળ છે. તેથી તેનો (એકત્વનો) અભાવ કરવાના હેતુથી પર્યાયનો નિષેધ કરવામાં આવે છે. તેમાં પર્યાયનો અભાવ કરવાનો હેતુ નથી. યદ્યપિ વિભાવના નિષેધમાં, વિભાવનો નાશ કરવાનો હેતુ છે. અને વિભાવના એકત્વને પણ મટાડવું છે. આ તફાવતમાં ભૂલ ન થવી જોઈએ. (૮૪૧)
-
-
સ્વરૂપ પ્રત્યયી પુરુષાર્થ, રુચિ કે ભાવના વિના, તત્ત્વની વાત, ચર્ચા, શ્રવણ આદિ બધુ, મનોરંજન અથવા વિષય સેવનવત્ થઈ પડે છે. તેથી મુમુક્ષુજીવે તત્ત્વજ્ઞાનની પ્રવૃત્તિમાં પોતાના ભાવો તપાસવા, નહિ તો સ્વયંને છોડીને આ પ્રવૃત્તિ કે જે બાહ્ય વિષય એટલે કે બહિર્મુખ ભાવનો વિષય છે, તે જ વંચનાબુદ્ધિએ ચાલતો રહેશે. તેની જ (બાહ્ય પ્રવૃત્તિની જ) મુખ્યતા રહેશે. પરંતુ બાહ્ય તત્ત્વ પ્રવૃત્તિ કાળે પણ બાહ્ય પ્રવૃત્તિની ગૌણતા અને સ્વરૂપની મુખ્યતા રહેવી જોઈએ, તો જ તત્ત્વરુચિ છે. અંતર તત્ત્વની રુચિ હોય ત્યાં શરૂઆતથી પર્યાય ગૌણ થઈ જાય છે. ભલે પર્યાયમાં પ્રતિક્ષણ વિકાસ સધાતો હોય તો પણ, આ પદ્ધતિથી, તે ગૌણ જ રહે છે. તેથી આ યથાર્થ પદ્ધતિ છે
(૮૪૨)
*
જ્ઞાનદશામાં, ધ્રુવ તત્ત્વની જાગૃતિમાં શરીરાદિ અનિત્ય સંયોગો સ્વપ્નવત્ ભાસે છે. જેમ સ્વપ્નનું કોઈ મૂલ્ય નથી. તેમ ધ્રુવ નિજ સ્વરૂપ આગળ, સંયોગોનું કોઈ મૂલ્ય નથી. પછી રાગ-દ્વેષ-મોહ, ક્યા કારણે થાય ?
અનુભવ એમ બોલે છે કે “હું મારામાં અચળપણે એમ ને એમ છું – મારી બહાર આ બધું સ્વપ્નની જેમ થઈ રહ્યું છે. અનાદિથી વર્તમાન પર્યંતના ભૂતકાળનું પણ એક લાંબુ સ્વપ્ન