________________
અનુભવ સંજીવની
૨૩૧
પણ કેમ ? ન જ થાય.
તેથી જ્ઞાન લક્ષણ દ્વારા અર્થાત્ વેદન અંશ દ્વારા અનંત સુખની ખાણનો પત્તો લાગે તો જ ત્રિકાળી શાશ્વત, અનંતગુણ નિધાનનું મૂલ્ય ભાસે, અને સ્વભાવમાંથી સ્વભાવનું સ્વભાવ તરફી જોર થઈ, અનાદિ પર્યાયનું એકત્વ છૂટી, સુખ પ્રગટે.
માત્ર વિચાર કર્યા કરે તેમાં શું પ્રાપ્ત થાય ? વિકલ્પની મુખ્યતાથી જાણવું થાય તે સાચું જ્ઞાન નથી.
(૮૨૩)
આત્મવસ્તુ ભેદાભેદ સ્વરૂપ છે. તેમાં મૂળ/પરમાર્થ સ્વરૂપ તો શક્તિરૂપ ત્રિકાળી સ્વભાવ છે. તે પરમાર્થનું–સ્વભાવનું અવલંબન લેવું તે પ્રયોજન છે. તે પ્રયોજનની સિદ્ધિ અર્થે શાસ્ત્રપ્રવચનરૂપ જ્ઞાનીપુરુષોના – શાસ્તા પુરુષોનાં વચનો છે. આ વચનોની વચન પદ્ધતિ ભિન્ન- ભિન્ન પ્રકારની જોવામાં આવે છે. અર્થાત્ દૃષ્ટિ પ્રધાન, જ્ઞાન પ્રધાન, પુરુષાર્થ પ્રધાન, સુખ પ્રધાન, આચરણ પ્રધાન, દ્રવ્ય પ્રધાન, અભેદ પ્રધાન, ભેદ પ્રધાન વગેરે અનેક પ્રકારે વચન હોય, તોપણ પરમાર્થને સાધતાં સાધાતાં નીકળેલાં સર્વ વચનો પ્રમાણ છે. તેમાં શંકા - વિકલ્પ મુમુક્ષુજીવે કરવા યોગ્ય નથી; પરંતુ ગમે તેવી જ્ઞાનીની શૈલી, કઈ રીતે પરમાર્થ- પ્રાપ્તિના હેતુભૂત છે, તેવો એકમાત્ર દૃષ્ટિકોણ અપનાવી પારમાર્થિક આશય ગ્રહણ કરવા યોગ્ય છે. અન્યથા ગુંચવણ કે વિપર્યાસ થવાનો સંભવ છે આશય ગ્રહણ થવાથી, સર્વ શૈલીમાં અપૂર્વતા ભાસશે.
કારણ કાર્યના નિરૂપણમાં ગુણનો ગુણ (સ્વભાવ) અને ક્રમ આદિ સમજવાં ઘટે છે. જેથી ક્રમ-વિપર્યાસ ન થાય.
(૮૨૪)
1
વિચાર, ચિંતન, ચર્ચા - વગેરે સર્વાર્થસિદ્ધિના ક્ષાયિક સમકિતી દેવો – ૩૩-૩૩ સાગર પર્યંત કરે છે, તોપણ ઉપરના પાંચમાં ગુણસ્થાને પ્રાપ્ત કરતાં નથી. પરંતુ અનુભવમાં એકાગ્રતા સધાય તો અંતર્મુહૂર્તમાં જ કેવળજ્ઞાન પ્રગટે. આમ વિચારજ્ઞાન અને અનુભવ જ્ઞાન વચ્ચે કાર્ય સિદ્ધિમાં મોટો ફરક છે. તેથી અનુભવનું મહત્વ / સામર્થ્ય સમજવું આવશ્યક છે. વળી વિચાર આદિમાં સ્થૂળ રાગ છે, તે દુ:ખ છે. સ્વાનુભવમાં તો અતિન્દ્રિય સુખ છે, પરમ પદાર્થ પ્રત્યક્ષ છે.
(૮૨૫)
જ્યાં ૬ઠ્ઠા - ૭માં ગુણસ્થાનધારી આચાર્ય મહારાજ પણ અનુભવની એકાગ્રતા અર્થે, મુનિસંઘની બાહ્ય પ્રવૃત્તિ છોડી, એકાંતે, સ્વરૂપ સાધના અર્થે સાધુપદે બિરાજમાન થઈ, આત્મહિત સાધી લ્યે છે, ત્યાં નીચેની સ્થિતિવાળા માટે તો આ પ્રકારનો પ્રસંગ સ્વયં બોધરૂપ છે. અર્થાત્ શાસનની બાહ્ય પ્રવૃત્તિનો વિકલ્પ ગૌણ કરવા યોગ્ય છે અને આત્મહિત શીઘ્રાતિશીઘ્ર સાધવા યોગ્ય છે.