________________
૨૧૯
અનુભવ સંજીવની
નિજાવલોકનથી જ પ્રત્યક્ષ સ્વરૂપનું ભાવભાસન થઈ, સ્વસન્મુખતા થાય છે, જે સ્વસંવેદન પ્રત્યક્ષને ઉત્પન્ન કરે છે.
(૭૮૫)
જેમ જીવ અને પુદ્ગલ-જડ પ્રતિપક્ષભૂત છે. તેથી પુદ્ગલનો રસ છે, તેને આત્મરસ ઉત્પન્ન થવો મુશ્કેલ છે. જેને ઈન્દ્રિયના ક્ષયોપશમ જ્ઞાનનો રસ ચડે છે, તેને બહિર્મુખ વેગ વધવાથી અંતર્મુખી અતિન્દ્રિય જ્ઞાનનો રસ ચડતો નથી, તેમ વિકલ્પમાં જેને રસ છે, અને તેથી જે જીવ અધિક - અધિક વિકલ્પ કરે છે તેમ તેમ નિર્વિકલ્પ અનુભવથી દૂર થઈ જાય છે. તેથી જ કૃપાસાગર શ્રીગુરુ કહે છે કે પઠન-પાઠન, સ્તુતિ, સ્મરણ, ચિંતના આદિ અનેક ક્રિયાના વિકલ્પો વિષ સમાન છે, નિર્વિકલ્પ અનુભવ તો અમૃતનું નિધાન છે, તેથી ઉપાદેય છે. વિકલ્પ માત્ર હેય છે, તેમ છતાં વિકલ્પ રસ આવે તો તે અશુદ્ધપણાનું મૂળ જાણી ત્યજવું.
(૭૮૬)
-
પ્રયોજનભૂત તત્ત્વની સમજણ કર્યા પછી પણ, યોગ્યતાની કાંઈક ઉણપને લીધે, અનુભવ ઉપાદેય છે. તેમ લક્ષમાં હોવા છતાં પણ, અનુભવના પુરુષાર્થમાં જે જીવ શિથિલ છે, તે અનેક પ્રકારના વિકલ્પોથી સંયુક્ત થવાને લીધે, શુદ્ધોપયોગી થતો નથી. તેથી સ્વાનુભવના પુરુષાર્થની શિથિલતા એ જ અનેક પ્રકારના વિકલ્પને ઉત્પન્ન કરે છે આવું શિથિલપણું અને વિકલ્પપણું અશુદ્ધિનું મૂળ જાણીને, લંબાય નહિ, તે માટે જાગૃત થઈ/ રહી, પુરુષાર્થવંત થવું ઘટે છે. પ્રમાદ મહા રિપુ છે. આયુનો પ્રત્યેક સમય ચિંતામણી રત્નથી અધિક મૂલ્યવાન છે, અને રાગનો એક કણ પણ વિષનો કણ છે. એ આદિ પ્રકારે જાગૃત રહી, સ્વરૂપ-સાવધાની થવા યોગ્ય છે.
(૭૮૭)
સ્વયંના મૂળ સ્વરૂપમાં પોતાપણું નહિ કરીને, વર્તમાન પર્યાયમાં જીવ એકત્વભાવે, પર્યાયબુદ્ધિથી વર્તે છે, તેથી પર્યાય મૂળ: પરસમા : કહીને શ્રીગુરુએ તેનો-પર્યાયબુદ્ધિનો નિષેધ કર્યો છે. તેથી તે પ્રકારના એકત્વરૂપ મિથ્યાત્વને છોડાવવા પર્યાયનું અકર્તાપણું જ્ઞાનીઓએ ઉપદેશ્યું છે, અને પર્યાયનું કાર્ય પર્યાય કરે છે, હું – ત્રિકાળી નહિ' એવા પરમાર્થનું ગ્રહણ કરાવ્યું છે. તે પરમ ઉલ્લાસથી સ્વીકારવા યોગ્ય છે.
–
ત્રિકાળી સામાન્ય, કદી વિશેષ પર્યાયરૂપ થતું નથી, તેવી નિરપેક્ષ વસ્તુસ્થિતિ સમજાયા વિના, પર્યાયના કર્તાપણાની (પ્રમાણની) અપેક્ષા પણ યથાર્થપણે સમજાય નહિ. પર્યાયની સ્વતંત્રતા (કારકોથી), સ્વરૂપમાં એકત્વ થવા અર્થે સ્વીકારવી, પરમ ઉપકારી છે. પર્યાયરત જીવ મિથ્યાત્વ ભાવે પરિણમે છે.
(૭૮૮)