________________
૨૦૨
અનુભવ સંજીવની
મે - ૧૯૯૧ સપુરુષની ઓળખાણ ઉત્કૃષ્ટ પાત્રતાવાન મુમુક્ષુને, જે તે લક્ષણો દ્વારા થાય છે. તેમાં પણ તે તે લક્ષણોની પોતાના ભાવમાં અંતર મેળવણીપૂર્વક થાય છે, અર્થાત્ મુમુક્ષુની યથાર્થ ભૂમિકામાં, પ્રયોગ દ્વારા તત્ત્વનું ભાવભાસન જેટલા અંશે થયું હોય તે ભાવોની અંતર મેળવણી થઈને, અંતરથી તે સત્પુરુષની ઓળખાણ થાય છે. તે જીવ જ્ઞાનદશાનો અધિકારી થાય છે. તેથી નિર્વાણપદનો પણ અધિકારી થાય છે.
આમ ઉપાદાનથી નિમિત્તરૂપ સત્પુરુષની ઓળખાણ થાય, તેનું મહતું ફળ છે. (૭૩૩)
સાધકપણું એટલે જે દશામાં આત્મસ્વરૂપને સઘાય તેવો પુરુષાર્થ અંતર્મુખી પુરુષાર્થ સહિતપણું વર્તે તે સાઘકપણું. સાધકદશાનું અવલોકન કરતાં સ્પષ્ટ ભાસે છે, કે સાધકની કોઈપણ ભૂમિકા કે જે તત્સંબંધી પુરુષાર્થથી પ્રાપ્ત થઈ હોય છે, તેમાં પણ ઉપરની ભૂમિકા પ્રાપ્ત થવા પુરુષાર્થ વર્તે છે – અર્થાત્ સાધક પ્રમાદમાં રહેતા નથી. તેનું કારણ, આત્મમાર્ગે જે પ્રારંભ થયો છે, તે પૂર્ણતાને લક્ષે થયો છે, અને જ્યાં સુધી પૂર્ણદશા ન થાય, ત્યાં સુધી અવિરતપણે સહજ પુરુષાર્થ પરાયણતા રહ્યા કરે તે જ ખરેખર સાધકપણું !
(૭૩૪)
ત્રિકાળી શુદ્ધાત્મ સ્વરૂપના અવલંબન કાળે જ શ્રુતજ્ઞાનમાં, જ્ઞાન સામાન્યનો આવિર્ભાવ થઈ, આત્મા સ્વસંવેદન જ્ઞાનપણે પ્રગટ / પ્રત્યક્ષ અનુભવમાં આવે છે. શેયાકારરૂપ જ્ઞાન વિશેષ ત્યારે સહજ તિરોભૂત થઈ જાય છે. નિર્વિકલ્પ સ્વાનુભવ થવામાં આમ બને છે, પરંતુ મુમુક્ષુને પૂર્વ ભૂમિકામાં, ત્રિકાળી સ્વરૂપ લક્ષમાં હોય છે. તેના ઉપરનું જોર, સામાન્ય જ્ઞાનના પ્રત્યક્ષ અંશ દ્વારા પ્રતીતિ ભાવમાં પ્રત્યક્ષ કરી કરી, વધતાં સહેજે સામાન્યનો આવિર્ભાવ થઈ, સ્વસંવેદન પ્રગટ થઈ જાય છે, (રાગની ઉત્પત્તિ જ થતી નથી.) - આમ સ્વાનુભવની વિધિ છે. માત્ર વિકલ્પથી ધ્રુવ તત્ત્વનું જોર, પરોક્ષતા તોડી, પ્રત્યક્ષ અનુભવ લેવા સમર્થ નથી.
(૭૩૫)
જ્ઞાની પુરુષની અંતરંગ દશા અલૌકિક હોય છે. મુમુક્ષુજીવને તે સમજાય અને ઓળખાય, તો તે પોતાનો પરમાર્થ . આત્માર્થ સાધી શકે છે. તેથી ઓળખાણ થવી તે પ્રયોજનભૂત છે.
જ્ઞાની અને મુમુક્ષુ બંન્નેને પૂર્વ પ્રારબ્ધકર્મનો ઉદય વર્તે છે, તેથી બાહ્ય દશામાં પ્રાયઃ સામ્ય છે . પરંતુ અંતરંગ દશામાં ફરક છે, તે ફરક સમજી . ઓળખી, અનુસરણ કરે તો, ભવ પાર થવાની કળા હાથમાં આવી જાય. - તેથી ઠામ ઠામ પ્રત્યક્ષ યોગનું મહત્વ અતીવ હિતકારી છે . તેમ દર્શાવવામાં આવ્યું છે.
(૭૩૬)