________________
૧૯૪
અનુભવ સંજીવની
જેમ જેમ ચિત્તનું નિર્મળપણું અને અચંચળપણું હોય-થાય તેમ તેમ જ્ઞાનીના વચનોનો વિચાર યથાયોગ્ય થઈ શકે. ચિત્તની શુદ્ધિ આત્મહિતની જાગૃતિ વિશેષ રહેવાથી તેમજ સરળતાનું સેવન કરવાથી થાય છે. જે જીવના પરિણામમાં વક્રતા (અસરળતા) હોય છે, તેનું ચિત્ત મલિન થાય છે, અને તેથી વિચાર શક્તિ હોય તોપણ વિવેકનો નાશ થાય છે. વિવેકના અભાવમાં અયોગ્ય નિર્ણયો લેવાય છે. આ સિવાઈ સંગદોષથી અર્થાત્ જે સંગ કરવા યોગ્ય નહિ, તેવાનો સંગ કરવાથી પણ વિચારબળ પ્રવર્તતું નથી. આત્માર્થી જીવે શુકલ હૃદયથી તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કરવા યોગ્ય છે. જેમ દેવ-પૂજા પરમ આદરથી, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની યોગ્ય સામગ્રી પૂર્વક અંતર્ બાહ્ય શુચિ સહિત કરાય છે, તેમ પરમતત્ત્વની પ્રાપ્તિનાં નિમિત્તરૂપ તત્ત્વજ્ઞાનની ઉપાસના, અંતર્ ભૂમિકાની શુચિપૂર્વક પાત્રતા સહિત થવી ઘટે.
(૭૧૨)
પ્રયોજનભૂત તત્ત્વ, અવલંબન લેવા યોગ્ય પોતાનું આત્મસ્વરૂપ છે. દ્રવ્યદૃષ્ટિનો વિષય જેટલો છે, તેટલું જ પ્રયોજનભૂત તત્ત્વ છે. તેમજ પર્યાયદ્રષ્ટિએ સ્વરૂપનું અવલંબન લેવું તેવું પ્રયોજન છે. તે પ્રયોજન સિદ્ધ કરવાનું છે, તેથી તે બંન્ને વિષય ઉપદેશમાં મુખ્ય હોય છે. આ ઉપરાંત ઉપદેશમાં અનેકવિધ પડખાથી વિશાળ પ્રમાણમાં નિરૂપણ છે, તેનું કારણ ઉપદેશ ગ્રહણ કરનારની યોગ્યતા અનેકવિધ પ્રકારે છે. તેથી સર્વ ઉપદેશ કોઈ એક જીવ માટે પ્રયોજનભૂત હોઈ શકે નહિ. તેમજ માત્ર એક પ્રકારનો ઉપદેશ સર્વ જીવને લાગુ પડે નહિ. તેથી આત્માર્થી જીવે પોતાની યોગ્યતા, દોષના અથવા ભૂલ થવાના પ્રકારને સમજીને જે રીતે પોતાનું હિત થાય તે રીતે ઉપદેશને અંગીકાર કરવો જોઈએ. આમ હોવાથી પ્રયોજનભૂત' વિષય અંગે અમુક વાતનો આગ્રહ સેવવો ન જોઈએ.
(૭૧૩)
‘જ્ઞાનમાત્ર’ કહીને આચાર્યદેવે જીવના શુદ્ધ સ્વરૂપને દર્શાવ્યું છે. તેથી પોતાનો અર્થાત્ શુદ્ધ જીવનો અનુભવ ‘જ્ઞાનમાત્ર' પણે થવો જોઈએ, કે જે અનુભવ થતાં ‘હું મનુષ્ય’, ‘હું સુખી–દુઃખી’, ‘હું રાગી’ ઈત્યાદિ કર્માનુસારી વિભાવ પર્યાયમાં આત્મબુદ્ધિરૂપ મિથ્યાત્વ–અંધકારનો નાશ થાય. જીવનું મૂળ સ્વરૂપ અનંત આશ્ચર્યકારી મહાનગુણોથી ગંભીર નિર્વિકલ્પ છે. સ્વાનુભવમાં, તેવો પ્રત્યક્ષ આસ્વાદ છે; જે સર્વ અન્ય અધ્યાસને અથવા ભ્રમને ભાંગી નાખે છે. શ્રમ અનાદિ હોવા છતાં ક્ષણમાત્રમાં છૂટી જાય છે. તેનું નામ અનુભવ છે. જ્યાં આત્મ-શાંતિ છે. અભેદ સ્વરૂપ – સંબંધી ભેદ વિકલ્પ પણ અશાંતિના ઉત્પાદક છે. ત્યાં શાંતિનું પ્રયોજન સિદ્ધ થતું નથી, તેથી તે વિકલ્પો પ્રયોજન અર્થે વિરૂદ્ધ હેતુવાળા હોવાથી નિષેધ્ય છે. નિર્વિકલ્પ સ્વરૂપમાં, વિકલ્પથી પર થઈને સમાઈ રહેવું સર્વ વિકલ્પોનું નિરર્થકપણું જાણવું, જેથી તેના પર જોર ન થાય, તેનો રસ ન આવે.
(૭૧૪)