________________
અનુભવ સંજીવની
૧૯૩
છે. ઓઘસંજ્ઞાએ, પ્રસિદ્ધિ પ્રાપ્ત જ્ઞાનીપુરુષો (જે વિદ્યમાન નથી.) તેમના વચનોનો કલ્પિત અર્થ સમજી, મતિકલ્પનાએ માર્ગનું આરાધન, સંપ્રદાય બુદ્ધિએ થવા લાગ્યું છે. યથાઃ—
પદ ગાવા’ માત્રને ભક્તિ સમજીને તે પ્રવૃત્તિની પ્રધાનતા જયાં ત્યાં વર્તે છે. તો ક્યાંક શાસ્ત્રના વાંચન, અર્થઘટન સંબંધી વિવાદ, અને ઉપદેશક - વૃત્તિરૂપ સ્વચ્છંદના દર્શન થાય છે. પરંતુ સત્સંગનું જે અપૂર્વપણું, મુમુક્ષુની ભૂમિકામાં તેનું મહત્ત્વ, અને જરૂરિયાત ઉપર કોઈનું લક્ષ હોય, કે તેનું યથાર્થ ભાન હોય, તેમ દેખાતું નથી. સમ્યક્દર્શનનો મહિમા ગાનારાઓ માત્ર વ્યક્તિ પૂજાનાં સંકુચિત માનસથી પીડાય છે, અને તે દ્વારા ઓઘસંજ્ઞાનું પ્રદર્શન કરી રહ્યા છે.
જ્ઞાનીની ઓળખાણ નહિ હોવાથી, મુમુક્ષુઓએ પરસ્પર સત્સંગ કેમ આરાધવો ? તે વાત લોપાઈ ગઈ છે, ત્યાં અંતર ખોજ તો થાય જ કયાંથી ?
(૭૦૯)
જે મુમુક્ષુજીવને જ્ઞાનીપુરુષનો પ્રત્યક્ષ સમાગમ થઈ, તે સત્સંગમાં શિક્ષા-બોધ સાંભળેલ હોઈ, તેના પરિણામે, સહેજે એવા સ્થૂળ દોષો તો છૂટી જવા જોઈએ, કે જેથી બીજા જીવોને તે મહાપુરુષનું અને તેના સત્સંગનું અવર્ણવાદપણું બોલવાનો પ્રસંગ આવે નહિ. આમ જ્ઞાની પુરુષની નજીક વર્તતા / અંતેવાસી જીવોની - બીજા સાધારણ કહેવાતા મુમુક્ષુ કરતાં વધુ જવાબદારી છે. જે જ્ઞાનીપુરુષે લોકોત્તર તત્ત્વ આપ્યું, તેનો શ્રવણ કરનાર લોકોત્તર માર્ગને અનુસરવાનો કામી હોઈ, તેના વહેવારનું સ્તર સાધારણ લૌકિકજનથી વિશેષતાવાળું હોવું ઘટે છે. જ્ઞાનીપુરુષ પ્રત્યેની અત્યંત ભક્તિ પણ સહેજે તેવી યોગ્યતાને પ્રાપ્ત કરાવે છે, અને દુર્વ્યવહાર કરનારને પણ ક્ષોભ પમાડે છે. સામાને એમ લાગી જાય કે ‘નક્કી આને કોઈ સત્પુરુષ મળ્યા છે.' તેવી વિશિષ્ટ છાપ અથવા ચોંટ લાગે, તેવું થવું ઘટે.
(૭૧૦)
વક્તાપણું, લેખકપણું, કવિત્વ વગેરે પ્રકારથી ક્ષયોપશમ વિશેષતા, મુમુક્ષુજીવને હોવાનો સંભવ છે. ત્યાં તે તે પ્રકારની વિચિક્ષણતા બતાવવાનો પ્રકાર સહજ ઉત્પન્ન થવા યોગ્ય છે. પરંતુ તે તે પ્રકાર આત્મ-ગુણ ઉત્પન્ન થવા અર્થે ઉપયોગી થાય તે તે પ્રકારે પ્રવર્તતાં જો આત્મરસ ઘૂંટાતો હોય અથવા વૃદ્ધિ પામતો હોય તો આત્મકલ્યાણાર્થે તેનું સફળપણું છે. પરંતુ જે વિદ્યાથી આત્મગુણ પ્રગટ્યો નહિ, આત્મગુણ પ્રગટવા અર્થે વિવેક આવે નહિ, કે સમાધિ થાય નહિ, તેવી વિદ્યા ઉપર પાત્ર જીવને જરાપણ વજન આવવું ન જોઈએ; જો વજન રહે તો બાહ્ય વૃત્તિ (રસ) વૃદ્ધિગત થતી જાય, અને દુર્ગુણો ઉત્પત્તિમાં તે તે પ્રકાર નિમિત્ત થાય. તેથી નિજ હિતના પ્રયોજનની સૂક્ષ્મ અને તીક્ષ્ણદૃષ્ટિ વડે, આવા કોઈપણ ક્ષયોપશમવાળા જીવે પ્રવર્તવું ઘટે; તો વ્યક્ત શક્તિનો સદ્ઉપયોગ થાય. અન્યથા સંસાર વૃદ્ધિનું કારણ થાય.
(૭૧૧)