________________
૧૮૬
અનુભવ સંજીવની થઈ જાય છે અને સહજપણે શાંતિની દિશા પ્રાપ્ત થાય છે, જે વૈજ્ઞાનિક છે. નિરીક્ષણ દ્વારા વૃત્તિને સમજવાનું થાય છે, તેટલું ગ્રંથ વાંચવાથી કે ઉપદેશ વચન શ્રવણ કરવાથી થતું નથી. ઉપરાંત નિરીક્ષણ આગવું અને યથાર્થ ઉપશમન (વૃત્તિનું થાય છે–તે વિશેષ વાત છે. (૬૮૫).
તત્ત્વ-જિજ્ઞાસાનું અનુમોદન કરવા યોગ્ય છે. તોપણ કુતૂહલ વૃત્તિ, માત્ર જાણપણું વધારવાની કુતૂહલ વૃત્તિનું અનુમોદન જરાપણ કરવા યોગ્ય નથી. પરલક્ષી જ્ઞાન અને પરરુચિ / અનાત્મરુચિ આત્મહિતને નુકસાનકારક હોવાથી, તેવા પરિણામને જિજ્ઞાસાના અંચળા નીચે પોષણ ન મળે, તેની સાવધાની રાખવા યોગ્ય છે.
સામાન્યત: અનાદિ પરરુચિને લીધે જાણપણું વધારવાની, – સંગ્રહ કરવાની, સંગ્રાહક વાસના, જીવને થઈ જાય છે. તેથી ચેતવું જોઈએ. અને યથાર્થ જિજ્ઞાસાપૂર્વક આત્મરુચિને પોષણ આપવું જોઈએ તેમજ જ્ઞાનમાં સ્વલક્ષીપણું આણવું જોઈએ.
(૬૮૬)
પ્રત્યેક કાર્ય યથાર્થ થાય, તેવો અભિપ્રાય હોવો જોઈએ, તેથી યથાર્થ સમયે યથાર્થપણે અને અચુકતા વડે કાર્ય થાય તેમ શીખવું જોઈએ, તે સફળતાનો વૈજ્ઞાનિક ક્રમ છે. કાર્યની યથાર્થતા, તે કાર્યની સુંદરતા છે, અને તેનાથી નિપુણતા અને ક્ષમતા નીપજે છે. શક્તિનો અપવ્યય થતો નથી–અથવા તો સમય અને શક્તિનું પૂરું વળતર મળે છે. શક્તિના વિકાસનો આધાર પણ યથાર્થતા ઉપર છે, જેમકે યથાર્થ સુવિચારણાથી આત્મજ્ઞાન પ્રગટ થાય છે.
(૬૮૭)
મોક્ષમાર્ગમાં સ્વસંવેદન જેમ જેમ વધતું જાય છે, તેમ તેમ આત્મા વિજ્ઞાનઘન થતો જાય છે. વિજ્ઞાનઘન થતો જાય છે, એટલે જ્ઞાનમાં જ્ઞાનવેદન ઘનિષ્ટપણાને પામતું જાય છે. ઉપર ઉપરના ગુણસ્થાને, આ વેદન ઘનિષ્ટ હોય છે. તેથી જ મુનિદશામાં વેદનની ઘનિષ્ટતાને લીધે, અન્ય દ્રવ્યભાવ જ્ઞાનમાં પ્રતિભાસતાં છતાં જ્ઞાન અત્યંત નિર્લેપ ભાવે સહજ રહે છે; ઉપસર્ગ પરિષહોની અસર પણ, જ્ઞાનને જણાવા છતાં થતી નથી - કેવળજ્ઞાનમાં સંપૂર્ણ જ્ઞાનઘનપણું હોવાથી લોકાલોક પ્રતિભાસવા છતાં પણ, જ્ઞાન સંપૂર્ણ સ્વસંવેદનમાં રહે છે. જે અરિહંત પ્રતિમામાં પ્રસિદ્ધ થાય છે, અને જિનેન્દ્ર દર્શનમાં તેવું પૂર્ણ ઘનિષ્ટ સ્વસંવેદન, દર્શનાર્થીને નિજ સ્વસંવેદનનું સ્મરણ અથવા જાગૃતિનું નિમિત્ત થાય છે. અહો ! શાશ્વત જિનપ્રતિમા એ કુદરતનો કેવો પારમાર્થિક-સંકેત છે !!
સત્ય, સત્યધર્મ, સત્યધર્મના નિમિત્તો, અનાદિ અનંત વિશ્વમાં મોજૂદ છે. કેવી ગંભીર અને કુદરતી ઘટના ! રચના !
આત્મહિત / પરમાર્થના પ્રયોજનવાન માટે સહજ નૈસર્ગિક વ્યવસ્થા !! (૬૮૮)