________________
અનુભવ સંજીવની
૧૭૩
નવેમ્બર – ૧૯૯૦ પાત્ર જીવને સમયનો હીન ઉપયોગ થાય તે ખૂંચે છે, કારણકે તે માર્ગ પ્રાપ્તિમાં હાનિકારક છે. વળી ગયેલી એક પળ પણ પાછી મળતી નથી, – તે અમૂલ્ય છે. નિર્મળ અંતઃકરણથી વિચારનારને મનુષ્ય આયુનો હીન ઉપયોગ થાય, તો કેટલું મોટું અશ્રેય થાય, તે સમજાય છે. તેથી જ ગૃહસ્થ - વૈવાહિક જીવન કરતાં, બ્રહ્મચર્યનું ગ્રહણ કરવાનો વિવેક પાત્ર જીવ કરે છે. તેમાં સમયની બરબાદી થતી સુગમપણે બંધ કરી શકાય છે. સર્વ પ્રકારના આરંભ અને પરિગ્રહનો સંબંધ મૂળથી જ છેદી શકાય છે અને ભાવની બરબાદી પણ થતી અટકે છે. માનસિક સ્વાસ્થ અને શારીરિક સ્વાથ્ય સાથે બાહ્ય નિવૃત્તિમય સમયની સાનુકૂળતાએ આત્મહિત આરાધવું સુગમ પડે, તે સહજ સમજી શકાય તેમ છે. તથાપિ પ્રમાદનો ત્યાગ કરવો આવશ્યક છે. અર્થાત્ સમયનું મૂલ્ય સમજીને ગંભીરતાથી પુરુષાર્થ પરાયણ રહેતાં જરૂર આત્મ-સિદ્ધિ છે.
(૬૩૭)
મહાપુરુષોના ચારિત્રને તત્ત્વદૃષ્ટિએ જોતાં, સૂક્ષ્મદષ્ટિથી તેનો અભ્યાસ કરતાં એવું પ્રતીત થાય છે કે “સ્વરૂપમાં પૂર્ણપણે રહેવા માટે અનઅવકાશપણે પ્રયત્ન થવા અર્થે, અકર્તાપણે પણ, તેઓ બાહ્ય ત્યાગ અથવા વ્યવહાર સંયમનું કર્તવ્ય જાણી તેમાં પ્રવર્તે છે. મુમુક્ષુ અને અવિરતી દશાએ ગૃહસ્થપણે વર્તતા જીવોને, તેમનું આ ચારિત્ર ઉપકારભૂત થાય છે, અને તેઓની સ્વરૂપ સ્થિરતા, અને સહજ વીતરાગદશા જેમાં અસ્થાનનો રાગ / વિકલ્પ ઉત્પન્ન જ થતો નથી તેના) ના ઐશ્વર્યને તે સ્પષ્ટ વ્યક્ત કરે છે. પરમાર્થ સંયમરૂપ સ્વરૂપ સ્થિતિને વ્યવહાર સંયમનું નિમિત્તાપણું છે, તેનાથી જ્ઞાની અજાણ હોતા નથી, અને પૂર્ણતાના ધ્યેયની સિદ્ધિ અર્થે અંતર્બાહ્ય પરિસ્થિતિનો વિવેક લક્ષપૂર્વક તેમને થાય છે અને પરિણતિથી છૂટેલા હોવા છતાં ઉપયોગની પ્રવૃત્તિ પ્રારબ્બાધીન હોઈ, દેખાવની વિચિત્રતા ઉત્પન્ન થાય છે, તેવી વિસંગતતાને ઈચ્છતા નથી. (૬૩૮)
વિચારની વિશાળતા અને મધ્યસ્થતા તત્ત્વ / ગુણ ગ્રહણ થવા અર્થે મુમુક્ષુને હોવી જરૂરી છે. અન્યથા સંપ્રદાયબુદ્ધિનો મહાદોષરૂપી સર્પ દંશી જશે. - પરમપુરુષ શ્રી સર્વજ્ઞદેવની વાણીનો અંશાંશ જૈનેતર શાસ્ત્રોમાં પણ જોવામાં આવે છે; તે અંશાંશને અંશાંશપણે સ્વીકાર કરવામાં શું દોષ છે ? દોષ તો અંશાશને સર્વાશ માનતા થાય. તેવી જ રીતે જૈનના નામે ગ્રંથોમાં અને પ્રવૃત્તિમાં અનેક વિકૃત્તિઓએ ઊંડા મૂળ નાખ્યા છે. તેને સ્વીકારતાં ગુણ કેમ થાય ? તેથી જે મુમુક્ષુ માત્ર સત્યધર્મનો અભિલાષી છે, તે બન્ને સ્થળેથી માત્ર ગુણ જન્ય તત્ત્વ ગ્રહણ કરવાનો દૃષ્ટિકોણ અપનાવે તેને વિશાળ સત્યને સ્વીકારવા માટેની વિશાળતા છે અને સંપ્રદાયબુદ્ધિનો અભાવ હોવાથી મધ્યસ્થતા / નિષ્પક્ષપાતપણું પણ છે – આ પાત્રતાનાં લક્ષણો છે.
(૬૩૯)