________________
અનુભવ સંજીવની
૧૬૭ આ વિષયમાં ભેદરેખા સૂક્ષ્મ હોય, સંતુલન જાળવવું યોગ્ય છે. જેથી પરમાર્થ . લાભ પરિણામે થાય, તેવું લક્ષ રાખતા, સંતુલન રહી શકે.
(૬૧૫)
આત્માર્થી જીવે, ઓઘસંજ્ઞા, શિથિલતા આદિ દોષ મટવા અર્થે, એવો વિચાર ગંભીરપણે કરવો ઘટે છે કે : -
સુદીર્ઘ કાળ પર્યત, તત્ત્વ અભ્યાસ, દેવ-ગુરુ-શાસ્ત્ર પ્રત્યે ભક્તિ, અર્પણતા વગેરે થવાં છતાં – હજી સુધી શું કરવા યોગ્ય – એવું બાકી રહી જાય છે ? કે જેને લીધે આત્મકલ્યાણની ચડતી શ્રેણીનો પ્રકાર ચાલતો નથી ? અથવા એવું શું પરિણમનમાં વર્તી રહ્યું છે કે જેથી આત્મકલ્યાણ થવામાં તે રોધરૂપ છે ?
ઉપરોક્ત વિષયમાં પરમ ગંભીરતાથી અવલોકન થઈ, આત્મભાવના તથા પ્રકારે વૃદ્ધિગત થઈ, માર્ગ પ્રાપ્ત થવા માટે – સુગમપણે થવા માટે, જે દશા થવી ઘટે તે દશા પ્રાપ્ત થાય. આ વાત શીધ્ર ચેતવા માટે છે.
(૬૧૬)
એક આત્માર્થ સિવાઈ જેને બીજું કાંઈ પ્રયોજન નથી, અને તે અર્થે જેણે જગતને પીઠ દીધી છે, તેમજ તે આત્માર્થ જેણે સાધી માત્ર પ્રારબ્ધવશાત્ જેને દેહાદિ છે, - એવા જ્ઞાની પુરુષ, મુમુક્ષુજીવને ફક્ત આત્માર્થની જ પ્રેરણા આપે છે, અથવા આત્માર્થ સધાય તેવું જ માર્ગદર્શન આપે છે – એવી પ્રતીતિપૂર્વક મુમુક્ષુજીવ, પોતે માર્ગથી અજાણ હોવાનું સમજી, પોતાની કલ્પનાથી સાધન કરવાની બુદ્ધિ છોડી દઈને, જ્ઞાની પુરુષની આજ્ઞામાં જ વર્તે, તો તે આજ્ઞા જીવને ભવભ્રમણ થવામાં આડી આવી, નિશ્રેયસ પદની પ્રાપ્તિ કરાવે છે; અર્થાત્ તેને સર્વ પ્રકારે વિરાધના થતાં બચાવી લે છે; અને અપૂર્વપદનું જ્ઞાનદાન આપે છે. નમસ્કાર હો તેવા જ્ઞાની પ્રભુને, ત્રિકાળ નમસ્કાર હો !!
(૬૧૭)
જે બીજા જીવો ધાર્મિક કારણથી માન આપે ત્યારે, પોતાને પ્રિય લાગે છે કે કેમ ? તેની જાગૃતિ રાખી, તે તે પ્રસંગનું તુચ્છપણું જાણી – માન મોટું નુકસાનનું કારણ જાણી તેનાથી હજી ભય રાખવો યોગ્ય છે. બાહ્ય મોટાઈથી, લોકસંજ્ઞા આવતાં / થતાં વાર લાગતી નથી, તે ભયંકર ગર્તાની સાવધાની સહજ જ રહેવી યોગ્ય છે. તેથી જ ઘણાનો પરિચય કરવા યોગ્ય નથી; અથવા ધાર્મિક મેળાથી દૂર રહેવાનો પ્રયત્ન કરવો, છતાં ઉદયયોગે રહેવું / જવું થાય તો બાહ્ય મોટાઈના પ્રસંગથી દૂર રહેવાનો પ્રયત્ન કરવા યોગ્ય છે. પ્રશંસા કાળે પરિણામ-ભેદ થાય તો તે લક્ષ બહાર ન જવું જોઈએ. માન સૌથી વધારે પતનનું કારણ થાય છે. તેવા પ્રસંગે મૂળ સ્વરૂપનું લક્ષ કર્તવ્ય છે. પરંતુ પ્રસંગ યોગે ભ્રાંતિમાં પડવા જેવું નથી, તેમ સર્વ મહાત્માઓનું કહેવું છે. (૬૧૮)