________________
૧૫૬
અનુભવ સંજીવની
અતિ ગંભીર ભાવે વિચારવા યોગ્ય છે. અલ્પ પણ ભય રાખવો નહિ, ભવિષ્યની એક પળની પણ ચિંતા કરવી નહિ.'' તેવી સત્પુરુષની આજ્ઞા જયવંત વર્તો ! આત્મહિતના વીર્યોલ્લાસને લીધે, જગત આખું અને ભવિષ્યની તમામ જવાબદારીઓ (?) નું વિસ્મરણ રહે, ત્યારે ખરી મુમુક્ષુતા પ્રગટે છે. અને ત્યારે જ સન્માર્ગનો પ્રતિબંધ મટે છે.
(૫૭૩)
સત્પુરુષની ઓળખાણપૂર્વક દૃઢ નિશ્ચય થાય તો ઉદય પ્રસંગોમાં નીરસપણું થઈ, સ્વરૂપ નિશ્ચય થાય જેથી આકુળતા મટે, નિઃશંકતા આવી જીવ સર્વ પ્રકારના ભયથી / દુઃખથી નિર્ભય થાય છે. પુરુષાર્થનો પ્રતિબંધ દૂર થઈ, સુખસાગરમાં નિમગ્ન થવાય છે. દુરંત અને દુષ્કર એવા સંસારને તરવાનો આ ક્રમ / ઉપાય છે.
(૫૭૪)
~‘સત્’ને સંભાળતા, ‘સત્’ની જાગૃતિમાં જગતની વિસ્મૃતિ થઈ જાય તે યોગીનું / સંતનું લક્ષણ છે”. પછી કોઈનું મમત્વ નથી અને તેથી આકુળતા અને ભય પણ નથી. આ કળિયુગ છે. તેથી પરમાર્થનું સ્થાન અનેક પ્રકારના અનર્થોએ લઈ લીધું છે. વિચિત્રતા, વિષમતાનો પાર નથી. તો પણ તેમાં, મૂંઝવાઈ જવાય તેવું હોવા છતાં પણ, જે મૂંઝાતા નથી, તેઓ ધન્ય છે, ભકિત કરવા યોગ્ય છે. તેમને નમસ્કાર હો !!
(૫૭૫)
મૂર્તિમાન મોક્ષ એવા સત્પુરુષને વિષે સમ્યક્ પ્રકારે અખંડ વિશ્વાસ રાખવા યોગ્ય છે. મુમુક્ષુ જીવને ક્વચિત્ પ્રાપ્ત વિશ્વાસ ખંડિત થઈ જાય છે. ત્યારે ખચીંત અભક્તિનાં પરિણામ થઈ રહે છે. જે સંસારનું કારણ છે, કારણકે ઉક્ત અખંડિત વિશ્વાસનું ફળ અવશ્ય મોક્ષ છે. જેને ઉક્ત પ્રકારે વિશ્વાસયુક્તપણું ન હોય, છતાં પૂર્વ પુણ્ય યોગે સમાગમ પ્રાપ્ત થયો હોય, તો તેને કોઈ પ્રસંગમાં અથવા કોઈ વચનમાં નકાર આવે છે. પરંતુ યથાર્થ ઓળખાણ થઈ હોય તો, આવો દોષ થતો નથી. સત્પુરુષ પ્રત્યે પોતા સમાન કલ્પના થતાં આવો દોષ ઉત્પન્ન હોય છે. (૫૭૬)
આત્માર્થી જીવ સત્સંગમાં વર્તતાં, પોતાનાં દોષ ટાળવાના પ્રયોજનમાં, અત્યંત સરળ પરિણામે, અર્થાત્ અંતઃકરણથી દોષનો અભાવ કરવાની ભાવનાથી વર્તે, ત્યારે જાગૃતિપૂર્વક પોતાના ભાવોનું અવલોકન થાય, અલ્પ દોષનો પણ ખેદ વર્તે, બીજાના અલ્પ ગુણને પણ પ્રમોદે, તો ‘સત્’ જણાય અને પછી સત્પુરુષનો યોગ બને તો તેને ઓળખાણ થાય, એટલે સત્પુરુષના અપૂર્વ ગુણ દૃષ્ટિ ગોચર થાય અને વ્યવહારિક કલ્પના ટળે. માટે ઉક્ત પ્રકારે પક્ષ રહિત થઈને સત્સંગ કરવા યોગ્ય છે. કદાપિ પોતાના દોષનો બચાવ કરવા યોગ્ય નથી.
(૫૭૭)