________________
૧૨૦
અનુભવ સંજીવની
છે. તેથી પ્રત્યેક ગુણને અનંત ગુણનું રૂપ મળે છે—હોય છે. અને તે એક એક ગુણથી બીજા સર્વ ગુણની સિદ્ધિ થાય છે. તેથી એક એક ગુણ બીજા સર્વ ગુણની અપેક્ષાઓ રાખે છે. દા.ત. ચેતના ગુણે, સર્વગુણોને ચેતનરૂપ કર્યા. અગુરુલઘુગુણથી સર્વ ગુણોને પણ અગુરુલઘુ રૂપ છે. પ્રમેયનું પ્રમેયત્વ સર્વ ગુણોને ન હોત તો સર્વ ગુણો અપ્રમાણતાને પ્રાપ્ત થાત.
(૪૪૬)
( જેમ કોઈ આદિવાસીને ચિંતામણી મળવા છતાં, તે તેના પ્રકાશમાં ફકત રાત્રે રસોઈ બનાવી, દિવાનું તેલ બચાવે છે; તો તેની દરિદ્રતા મટતી નથી; પરંતુ કોઈ રત્ન-પારખુ તેને તેની કિંમત બતાવે તો તેનું દારિદ્ર તુરત જ ટળે છે. તેમ પોતાનું અનંત સામર્થ્ય ન જાણતાં જીવ, દેહાર્થે પોતાની શક્તિ ખર્ચીને અનંતકાળ, અનંત પરિભ્રમણના દુઃખને અનુભવે છે, તેને સ્વરૂપજ્ઞાની શ્રીગુરુ સ્વરૂપ - મહિમાનું જ્ઞાન કરાવે છે, ત્યારે સંસાર દુઃખ સહજમાં ટળે છે.
(૪૪૭)
* દર્શનમોહથી પરમાં સ્વપણાનો ભાવ થાય છે, ત્યારે જીવ મીઠાશ વેદે તો મોહ વૈરી પ્રબળ થાય છે, અને જીવની શક્તિ હાનિ પામે છે; પરિણામે ચોરાશી લાખ યોનીના દુઃખ પ્રાપ્ત થાય છે. આવા પ્રબળ અનિષ્ટને સમ્યક્ત્વ રોકે છે.
* દર્શનમોહ જ જીવને બહિર્મુખ રાખે છે, તેને હણી, સમ્યક્ત્વ જીવને અંતર્મુખ કરે છે; અને અમૃતરસનું આસ્વાદન કરાવે છે.
* દર્શનમોહે જ પોતાને - અનંત જ્ઞાનાદિ ગુણના ધણીને ભૂલાવી દીધો છે;–(સમ્યક્ત્વ) તેને - ભૂલાવાને ફરી આવવા દેતો નથી.
* આ પ્રકારે સમ્યક્ત્વ સર્વ અવગુણભાવોનો પ્રતિકાર કરનાર બળવાન યોદ્ધો છે; જેના તેજથી સર્વ કર્મ દૂરથી જ પીઠ દઈને નાસવા લાગે છે.
* દર્શનમોહથી અનિત્ય એવા શરીરાદિ સંયોગમાં નિત્યતા મનાય છે, દેહના નવ દ્વારથી શ્રવતા પદાર્થોમાં આસક્તિ થાય છે, તેવા અજ્ઞાન / વિપરીત ભાવને ઉત્પન્ન થતું – સમ્યક્ત્વ રોકે છે. સંક્ષેપમાં સર્વ અવગુણોનું રોધક અને સર્વ ગુણોને પ્રગટવાનું મૂળ સમ્યક્ત્વ છે. (૪૪૮)
પરમ સત્સંગમાં સાધના થવી સાનુકૂળ છે; તેથી મુમુક્ષુ જીવને અંતરથી તેવી ભાવના થવા યોગ્ય છે, કે જેથી પરમ સરળતાથી પોતાનાં પરિણામોનું નિવેદન કરી, જે તે સમયે, જે તે યથાર્થ પ્રકારનું - માર્ગદર્શન પ્રાપ્ત થઈ, તદનુસાર પોતે પ્રયોગારૂઢ થઈ, સન્માર્ગ પ્રતિ ગતિ કરી શકે. આવો સુયોગ ઉત્કૃષ્ટ પાત્રતાવાન જીવને નિર્વાણનું કારણ છે. તેનું જવલંત ઉદાહરણ શ્રી સુભાગ્યભાઈ અને પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રદેવ છે. ભૂતકાળે આ પ્રકારે અનંત જીવો બૂજ્યા છે, અને ભાવિમાં અનંત બૂજશે. પ્રત્યક્ષ યોગ ત્રિકાળ જયવંત વર્તો' તેથી જ પ્રત્યક્ષ સત્પુરુષ જીવંત આગમ છે.